વડોદરાના સૌથી વ્યસ્ત ગણાતા ફતેગંજ બ્રિજ પર પુરપાટ ઝડપે આવી રહેલા એક ભારેભરખમ ડમ્પરે એકસાથે 3 કારને અડફેટે લેતા અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી. આ અકસ્માતને પગલે સ્થાનિકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને બ્રિજ પર ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી.

અચાનક બ્રેક વાગતાં જ સર્જાયો અકસ્માત

પ્રાપ્ત વિગતો અનુસાર, ફતેગંજ બ્રિજ પરથી વાહનો પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક આગળ જઈ રહેલા એક વાહનના ચાલકે બ્રેક મારી દીધી હતી. જેના કારણે પાછળ આવી રહેલા વાહનો એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલા એક ડમ્પરે પણ કાબૂ ગુમાવતા આગળની ત્રણેય કારને જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો સ્પીડમાં હતો કે ત્રણેય કારને મોટું નુકસાન પહોંચ્યું છે. જો કે, સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, જે મોટી રાહતની વાત છે. ઘટનાને પગલે સુરક્ષાના ભાગરૂપે ફતેગંજ બ્રિજને એક તરફથી વાહનવ્યવહાર માટે તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો.

VMC લખેલા ડમ્પર પર ઉઠ્યા મોટા સવાલો

આ અકસ્માતમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, અકસ્માત સર્જનાર ડમ્પર પર 'ઓન ડ્યુટી VMC'લખેલું હતું. આ ઘટના બાદ વડોદરા કોર્પોરેશનના તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. શહેરમાં દિવસ દરમિયાન ભારે વાહનો માટે 'નો એન્ટ્રી'નો સમય હોવા છતાં, આ ડમ્પરને બ્રિજ પર જવાની પરમિશન કોણે આપી? કોર્પોરેશનના વાહનો કાયદાથી ઉપર છે? આવા અનેક સવાલો સાથે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હાલમાં પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 


  આ પણ વાંચો :  Gandhinagar : ગુજરાતમાં 'અશાંતધારો' હવે કહેવાશે 'સ્પેસિફાઈડ એરિયા', વાંચો મહત્વના સમાચાર