વડોદરાના સેવાસી રોડ પર રહેતા પરિવારનો છ મહિનાનો આફ્રિકન ગ્રે પોપટ 'લડ્ડુ' છેલ્લા ચાર દિવસથી ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયો છે. પોતાના બાળકની જેમ જેનો ઉછેર કર્યો હતો તે પક્ષી ગુમ થઈ જતાં પરિવારની મહિલા છેલ્લા ચાર દિવસથી અન્નજળ ત્યાગીને અત્યંત ગંભીર હાલતમાં શોકમગ્ન બની છે.
1.10 લાખ ચૂકવીને પોપટ ખરીદ્યો
આ પરિવારે આ આફ્રિકન ગ્રે પોપટને ગત જુલાઈ મહિના દરમિયાન મુંબઈ ખાતેથી રૂ. 1.10 લાખ ચૂકવીને ખરીદ્યો હતો અને તેને પ્રેમથી લડ્ડુ નામ આપ્યું હતું. ઘરમાં લાવ્યા બાદ લડ્ડુ પરિવારના સભ્યની જેમ હળીમળી ગયો હતો અને તેની સૌથી વધુ દેખભાળ પારેખ દ્વારા કરવામાં આવતી હતી.
ઉછેર માટે મહિલાએ શાળાની નોકરી પણ છોડી દીધી
આ મહિલાએ લડ્ડુના યોગ્ય ઉછેર અને માવજત માટે પોતાની ખાનગી શાળાની નોકરી પણ છોડી દીધી હતી. તેમના જણાવ્યા મુજબ લડ્ડુ સવારથી રાત સુધી સતત તેમની સાથે જ રહેતો હતો. તે તેમના ખોળામાં બેસીને જમતો હતો.
લડ્ડુ ગાયબ થતાં મહિલા 4 દિવસથી જમી નથી
લડ્ડુ અચાનક ગુમ થઈ જતાં પરિવારની મહિલા ઊંડા આઘાતમાં સરી પડ્યાં છે અને છેલ્લા ચાર દિવસથી તેમણે અન્નનો એક દાણો પણ લીધો નથી. ઘરમાં લડ્ડુનું ખાલી પડેલું પાંજરું અને તેની સાથે જોડાયેલી યાદો જોઈને સમગ્ર પરિવાર ચોધાર આંસુએ રડી રહ્યો છે. પરિવાર દ્વારા સોસાયટી તેમજ આસપાસના સમગ્ર વિસ્તારમાં સઘન શોધખોળ કરવામાં આવી હોવા છતાં તેનો કોઈ જ પત્તો લાગ્યો નથી.
શોધી લાવનાર વ્યક્તિને રૂ. 1 લાખનું ઇનામ આપવાની જાહેરાત
પોતાના બાળકની જેમ ઉછેરેલા આ પક્ષીને હેમખેમ પરત મેળવવા માટે પરિવારે તેને શોધી લાવનાર વ્યક્તિને રૂ. 1 લાખનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે.
લડ્ડુની આંખ પાસે એક ખાસ નિશાન
પક્ષીની ઓળખ અંગે પરિવારે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે લડ્ડુની આંખ પાસે એક ખાસ નિશાન રહેલું છે, તેની ચાંચ પર ખરબચડાં નિશાન છે તેમજ તેના પગમાં કડું પહેરાવેલું છે, જેથી તેને આસાનીથી ઓળખી શકાશે.
માત્ર એક પોપટ નહોતો પરંતુ તેમનો પોતાનો દીકરો હતો
લડ્ડુ તેમના માટે માત્ર એક પોપટ નહોતો પરંતુ તેમનો પોતાનો દીકરો હતો. પરિવારે અપીલ કરી હતી કે કેટલાક લોકો પેટ પેરેન્ટ્સની મજાક ઉડાવતા હોય છે, પરંતુ જેણે કોઈ અબોલ જીવને આટલો બધો પ્રેમ કર્યો હોય તે જ આ અસહ્ય પીડાને સમજી શકે છે. તેમણે હાથ જોડીને વિનંતી કરી છે કે કોઈ મજાક ન બનાવે અને તેમના લડ્ડુને પરત મેળવવામાં મદદરૂપ બને.
લડ્ડુ તું પાછો આવી જા
પરિવાર તરફથી ફક્ત એક જ પોકાર કરવામાં આવી રહ્યો છે કે લડ્ડુ તું પાછો આવી જા, તારી મા તારી રાહ જોઈ રહી છે. તેમને દરેક પળે એ જ ચિંતા સતાવી રહી છે કે તેમનો વહાલસોયો લડ્ડુ ક્યાં હશે અને તેણે કશું ખાધું હશે કે નહીં. પ્રેમ એક એવી લાગણી છે જે માણસ કે પ્રાણી સાથે જોડાય ત્યારે તેને કોઈ ખતમ કરી શકતું નથી.
ઘરવાપસી માટે આતુરતાપૂર્વક રાહ
અગાઉ પણ એક વિદેશી ફિરંગી પોપટ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો, જેનું અસ્ખલિત અંગ્રેજી સાંભળીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો હતો. હાલમાં વડોદરાનો આ પરિવાર પોતાના વહાલસોયા લડ્ડુની સહીસલામત ઘરવાપસી માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે. પરિવારે તમામ નાગરિકોને નમ્ર અપીલ કરી છે કે આ મુશ્કેલ સમયમાં તેઓ સહાનુભૂતિ દાખવે અને પોપટને સુરક્ષિત રીતે ઘર સુધી પહોંચાડવામાં મદદ કરે, જેથી એક માતાની જેમ ઝૂરતી મહિલાની ચિંતાનો સુખદ અંત આવી શકે.
આ પણ વાંચો : Baba Bageshwar : શ્રીકૃષ્ણના સ્વરૂપ પર ટિપ્પણી બદલ ધીરેન્દ્ર શાસ્ત્રીને કાનૂની નોટિસ, 15 દિવસમાં માફીની માંગ