વડોદરાના ગાજરવાડી વિસ્તારમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં સુવેજ પમ્પિંગ સ્ટેશન પાસેની ગટર ચેમ્બરમાં પડી જતાં એક યુવાનનું કરુણ મોત થયું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતક યુવાનનું નામ દીપક દેવીપૂજક હોવાનું જાણવા મળ્યું છે, જે તેના પરિવારનો એકનો એક પુત્ર હતો. આ દુર્ઘટનાને કારણે પરિવાર પર આભ ફાટી પડ્યું છે.
ગટર ચેમ્બરમાં પડતા દીપક દેવીપૂજકનું મૃત્યુ
પ્રાપ્ત માહિતી મુજબ, દીપક સુવેજ પમ્પિંગ સ્ટેશન પાછળની ગટર ચેમ્બર પર મૂકેલા પથ્થર પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેનું સંતુલન ગુમાવતા તે ગટરના દૂષિત પાણીમાં ખાબક્યો હતો. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. આ દુર્ઘટનાનો ભોગ માત્ર યુવાન જ નહીં, પરંતુ બચાવ કામગીરી માટે આવેલી ફાયર બ્રિગેડની ગાડી પણ દૂષિત પાણીના ખાડામાં ખાબકી હતી, જોકે સદનસીબે તેમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
સંદેશ ન્યૂઝનો કેમેરો જોતા જ VMCના ઇજનેર સ્થળ પરથી પલાયન
આ ઘટના બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ના ડ્રેનેજ પ્રોજેક્ટ શાખાના કાર્યપાલક ઇજનેર હરેશ રાઠવા અને તેમનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યા હતા. પરંતુ, જ્યારે મીડિયાના કેમેરા સામે આવ્યા ત્યારે જવાબદારીથી ભાગતા હોય તેમ તેઓ સ્થળ છોડીને ભાગી ગયા હતા. મીડિયાએ આ અંગે પૂછપરછ કરતાં હરેશ રાઠવાએ ગોળગોળ જવાબો આપ્યો હતો. આ ઘટનાએ પાલિકાની બેદરકારી અને અધિકારીઓની લાપરવાહી ખુલ્લી પાડી હતી. પોલીસ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.