વડોદરા જિલ્લાના કરજણના જૂનાબજાર વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં વલી નગરી કેનાલ પાસે એક મહાકાય મગર આવી ચડ્યો હતો. સતત વરસી રહેલા વરસાદના કારણે જળસ્તર વધતાં આ મહાકાય મગર રહેણાંક વિસ્તાર સુધી પહોંચી ગયો હતો અને તેણે ભૂંડનો શિકાર પણ કર્યો હતો. ભયાનક મગરને ગામની કેનાલ નજીક જોઈને સ્થાનિક રહીશોમાં ભારે અફરાતફરી અને ફફડાટ વ્યાપી ગયો હતો.
બાળકોને પાણીવાળા વિસ્તારોથી દૂર રહેવા અપીલ
રહેણાંક વિસ્તારની સાવ નજીક મગર દેખાતાં સ્થાનિકોમાં પોતાના અને પરિવારના સભ્યોના જીવનું જોખમ ઊભું થયું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને આસપાસના લોકો દ્વારા બાળકોને કેનાલ, તળાવ તથા પાણી ભરાયેલા વિસ્તારો નજીક ન જવાની ખાસ અપીલ કરવામાં આવી છે. મગરના આતંકના કારણે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
વન વિભાગ દ્વારા મગરને પકડવા કાર્યવાહી
મગર દેખાયા હોવાની ઘટના અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતા જોઈને વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને મગરને પાંજરે પૂરી સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવા માટેની કામગીરી હાથ ધરી છે. વન વિભાગ દ્વારા મગર ઝડપાઈ ગયા બાદ જ સ્થાનિકોને રાહત મળશે.
આ પણ વાંચો : Ahmedabad ના દરિયાપુરમાં SMCની રેડ, મનપસંદ જીમખાનામાં ચાલતા જુગારધામ પર દરોડા...