વડોદરામાં સાવલી નગર પાલિકા ઉપર ફરી ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે પાલિકાના કોર્પોરેટરે નિશાન સાધ્યું છે. સાવલી નગરપાલિકા દ્વારા ટેન્ડર અને ઠરાવ વગર પેવર બ્લોક નાખવાની કામગીરી ચાલુ કરતા નગર પાલિકાના વિરોધ પક્ષના નેતા હસુ પટેલે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી કાર્યવાહીની માગ કરી છે.
લેખિતમાં રજૂઆત કરી કાર્યવાહીની માગ કરી
સરકાર દ્વારા સાવલી પોલીસ સ્ટેશનથી લઇને ઉદલપુર ટીંબા સુધી ચાર માર્ગીય રોડ માટે 389 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે.છતાંય પાલિકા દ્વારા સાવલી પોલીસ સ્ટેશન થી લઇને પોઇચા ચોકડી સુધીના ફોરલેન રોડ પર ખાનગી અને આર એન્ડ બી વિભાગની માલિકીની જગ્યામાં પેવર બ્લોક વગર મંજૂરી કે ઠરાવ કર્યા વગર નાખવાની કામગીરી ચાલુ કરાઈ છે.નગર પાલિકાના વિરોધ પક્ષના નેતા હસુ પટેલ દ્વારા ઇજારદાર અને પાલિકા સામે મુખ્યમંત્રી ,શહેરી વિકાસ સચિવ,શહેરી વિકાસ મંત્રી,તકેદારી આયોગ, વિજિલન્સ કમિશનર , પ્રાદેશિક કમિશનર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરી કાર્યવાહીની માગ કરી છે.
પેવર બ્લોકમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ
સાવલી પોલીસ સ્ટેશનથી લઇને ઉદલપુર સુધી ચોમાસા બાદ ફોર લેન માર્ગ બનવા જઈ રહ્યો છે. ત્યારે બ્લોક નાખી સરકારી તિજોરી ને નુકસાન અને પ્રજાના ટેક્ષના નાણાંનો દુર્વ્યયનો આક્ષેપ કર્યો છે.નગરના આંતરિક રસ્તા ભારે બિસ્માર છે ત્યારે પેવર બ્લોકની કામગીરીની સામે શંકાની સોય ટાંકીને વિવિધ આક્ષેપ કરતો પત્ર પાઠવ્યો છે.વિરોધ પક્ષ નાં નેતા હસુ ભાઈ દ્વારા પેવર બ્લોકમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે લેખિત રજૂઆત કરીને પાલિકા દ્વારા આર એન બી ની જગ્યામાં દબાણ અને ખાનગી માલિકોને ફાયદો કર્યાનો આક્ષેપ લગાવીને કાર્યવાહીની માંગ કરી છે.