ગુજરાતમાં મોટા શહેરોમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા હેલ્મેટ વિનાના વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવતા લોકો રોષે ભરાયા હતાં. લોકોની નારાજગીને જોતા ભાજપના ધારાસભ્યોએ ગૃહમંત્રીને રજૂઆત કરી હતી. ત્યાર બાદ રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો કે, હેલ્મેટનું અભિયાન ચાલુ રખાશે અને દંડની જગ્યાએ ગુલાબ આપીને જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરાશે.


ખાડાને કારણે કમર અને વાહનો તૂટી રહ્યાં છે

વડોદરા અને રાજકોટમાં હેલ્મેટના કાયદાનો લોકોએ જબરદસ્ત વિરોધ કર્યો હતો. લોકોએ હેલ્મેટ નહીં પહેરવા માટે અવનવા બહાના જણાવ્યા હતાં. જ્યારે કેટલાક લોકોએ સરકાર સામે બળાપો ઠાલવ્યો હતો. લોકોએ કહ્યું હતું કે, પહેલા ખાડા પૂરો પછી હેલ્મેટનો કાયદો લાવો. શહેરમાં હેલ્મેટ પહેરવું યોગ્ય નથી. હેલ્મેટ પહેર્યા બાદ આસપાસ દેખાય નહીં તો અકસ્માત થાય. ખાડાને કારણે કમર અને વાહનો તૂટી રહ્યાં છે. પહેલા ખરાબ રોડ બનાવનાર અધિકારીઓને દંડ કરો પછી હેલ્મેટ વિનાના વાહન ચાલકોને દંડ કરજો.

ભાજપના જ ધારાસભ્ય અને નેતાઓએ ગૃહમંત્રીને રજૂઆત કરી

રાજ્યમાં આઠમી સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું હતું. પોલીસે હેલ્મેટ વિનાના વાહન ચાલકોને દંડવાનું શરૂ કર્યું હતું. ત્યારે રાજકોટમાં લોકોએ વિરોધ કર્યો હતો. ખુદ ભાજપના જ ધારાસભ્ય અને નેતાઓએ ગૃહમંત્રીને રજૂઆત કરી હતી. લોકોની નારાજગી બાદ સરકાર એક્શનમાં આવી હતી અને હેલ્મેટનો દંડ નહીં લેવા અને લોકોને ગુલાબનું ફૂલ આપીને હેલ્મેટ અંગે જાગૃતિ ફેલાવવા સૂચના આપી હતી.


  • Follow us on: