વડોદરામાં સમૃદ્ધ જીવન ગ્રુપ દ્વારા કરવામાં આવેલી રોકાણ છેતરપિંડીનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. હાઈકોર્ટના આદેશ બાદ હવે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ થઈ છે. દેશભરમાં આશરે રૂ. 3,500 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે, જ્યારે વડોદરામાં જ અંદાજે રૂ. 20 કરોડની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. સયાજીગંજ પોલીસ મથકમાં અત્યાર સુધી 10થી વધુ ફરિયાદો નોંધાઈ છે.

હાઈકોર્ટના આદેશ બાદ ફરિયાદો નોંધાવાની શરૂઆત

સમૃદ્ધ જીવન ગ્રુપ સામે વર્ષોથી રોકાણકારો ન્યાય માટે કોર્ટમાં લડત આપી રહ્યા હતા. હવે હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ ફરિયાદો નોંધાવવાની શરૂઆત થઈ છે. વડોદરાના સયાજીગંજ પોલીસ મથકમાં 10થી વધુ ફરિયાદો નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.

2015માં મહેશ મોટેવરની ધરપકડ થઈ હતી

મૂળ પુણેની સમૃદ્ધ જીવન ગ્રુપ કંપની સામે રોકાણના નામે છેતરપિંડી આચરવાનો આક્ષેપ છે. વર્ષ 2015માં ગ્રુપના મહેશ મોટેવરની ધરપકડ કરવામાં આવી હતી. આ રોકાણ કૌભાંડને કારણે દેશભરના અનેક રોકાણકારો પ્રભાવિત થયા હોવાનું જણાવવામાં આવ્યું છે.

વડોદરામાં જ રૂ. 20 કરોડની છેતરપિંડીનો આક્ષેપ

દેશવ્યાપી રૂ. 3,500 કરોડના કૌભાંડમાં વડોદરામાં જ આશરે રૂ. 20 કરોડની છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ છે. મોટાભાગના ફરિયાદીઓ હવે નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. તેમણે વર્ષો પહેલાં પોતાની જીવનભરની બચત આ ગ્રુપમાં રોકી હતી, પરંતુ નાણાં પરત ન મળતાં મુશ્કેલીમાં મુકાયા છે.

નિવૃત્ત એન્જિનિયરે ગુમાવ્યા રૂ. 1 કરોડ

પીડિતોમાં પીડબલ્યુડીના નિવૃત્ત એન્જિનિયર વિક્રમસિંહ મહિડાનો પણ સમાવેશ થાય છે. તેમણે પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ‘અમે પરિવાર સહિત રૂ. 1 કરોડ ગુમાવ્યા છે. મને હૃદયની બીમારી છે, હવે શું કરું?’

પરિવાર સામે મુશ્કેલ સ્થિતિ 

તેમણે જણાવ્યું હતું કે પરિવારની જીવનભરની બચત સમૃદ્ધ જીવન ગ્રુપમાં રોકી હતી. હવે નાણાં ગુમાવ્યા બાદ પરિવાર સામે મુશ્કેલ સ્થિતિ ઊભી થઈ છે.

રોકાણકારોને નાણાં પરત અપાવવાની માગ

આવા અનેક લોકો આ કથિત છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો આક્ષેપ છે. વર્ષોથી ન્યાય માટે કોર્ટના ધક્કા ખાઈ રહેલા રોકાણકારો હવે ન્યાય તંત્ર પાસે તેમના નાણાં પરત અપાવવાની માગ કરી રહ્યા છે. સ્ટેશન વિસ્તારમાં આવેલી ઓફિસમાં અન્ય ઓફિસ હોવાનું ખુલ્યું છે. 


આ પણ વાંચો :     Ahmedabad : શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું મોટું નિવેદન: ‘નકલી દેવી-દેવતાઓથી દૂર રહો, શાસ્ત્રોમાં ઉલ્લેખ છે તે જ ભગવાન’