વડોદરાની મધ્યસ્થ સરકારી હોસ્પિટલ SSG સહિત શહેરની તમામ બ્લડ બેંકોમાં હાલ રક્તની ભારે કટોકટી સર્જાઈ છે. ઉનાળાની અસહ્ય ગરમીના કારણે રક્તદાતાઓ બ્લડ ડોનેશન કરવા માટે બહાર નથી આવી રહ્યા, જેના લીધે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં લોહીની ભારે અછત ઊભી થઈ છે. વડોદરાની જાણીતી SSG હોસ્પિટલમાં જ હાલમાં જરૂરિયાત કરતાં સીધું 50 ટકા ઓછું બ્લડ ઉપલબ્ધ હોવાના કારણે દર્દીઓના ઓપરેશન અને તાત્કાલિક સારવાર પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે.
માત્ર 2000 થી પણ ઓછું યુનિટ બ્લડ ઉપલબ્ધ
આંકડાકીય વિગતો અનુસાર, હોસ્પિટલમાં નિયમિત રીતે 4000 યુનિટ બ્લડની જરૂરિયાત રહે છે, જેની સામે હાલમાં માત્ર 2000 થી પણ ઓછું યુનિટ બ્લડ ઉપલબ્ધ છે. આ ચિંતાજનક પરિસ્થિતિ માત્ર SSG હોસ્પિટલ પૂરતી મર્યાદિત નથી, ગોત્રીની સરકારી હોસ્પિટલ અને શહેરની અન્ય ખાનગી બ્લડ બેંકોની સ્થિતિ પણ આવી જ છે.
વડોદરાના તબીબોએ જાતે જ બીડું ઝડપ્યું
આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા અને દર્દીઓનો જીવ બચાવવા માટે વડોદરાના તબીબોએ જાતે જ બીડું ઝડપ્યું છે. 'વર્લ્ડ બ્લડ ડોનર ડે' નિમિત્તે હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટરો અને તબીબી સ્ટાફે સ્વયંભૂ આગળ આવીને રક્તદાન કરવાની મોટી ઝુંબેશ હાથ ધરી છે. ડૉક્ટરોએ જાતે જ રક્તદાન કરીને સમાજને પણ રક્તદાન કરવા માટેની અપીલ કરી છે જેથી હોસ્પિટલોમાં બ્લડ બેંક ફરીથી ભરી શકાય.
બ્લડ ડોનેશન કેમ્પની સંખ્યા ઘટી જવાથી સમસ્યા થાય છે
તબીબી સંચાલકોના જણાવ્યા મુજબ, દર વર્ષે ગરમીના મહિનાઓમાં બ્લડ ડોનેશન કેમ્પની સંખ્યા ઘટી જવાથી આવી સમસ્યા થાય છે, પરંતુ આ વર્ષે અછત વધુ ગંભીર છે. તંત્ર દ્વારા સ્વયંસેવી સંસ્થાઓ અને સામાન્ય નાગરિકોને આ વર્લ્ડ બ્લડ ડોનર ડે પર વધુમાં વધુ રક્તદાન કરવા વિનંતી કરવામાં આવી છે.
આ પણ વાંચો--- Gujarat Latest News Live: સુરતના ભૂતિયા ડિમોલેશન મામલામાં દોષિતો સામે 14 દિવસ પછી પણ કોઇ કાર્યવાહી નહી