વડોદરાની SSG હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની મુલાકાત બાદ એક ગંભીર મામલો સામે આવ્યો છે. જુનિયર તબીબોએ સાયકિયાટ્રી વિભાગના પ્રોફેસર ડો. ચિરાગ બારોટ સામે રેગિંગ અને શારીરિક શોષણ સહિતના ગંભીર આરોપો લગાવ્યા હોવાની માહિતી સામે આવી છે. આ મામલે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

જુનિયર તબીબોએ આરોગ્ય મંત્રી સમક્ષ કરી રજૂઆત

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની SSG હોસ્પિટલની મુલાકાત દરમિયાન જુનિયર તબીબોએ પોતાની રજૂઆત કરી હતી. જુનિયર તબીબોએ સાયકિયાટ્રી વિભાગના પ્રોફેસર ડો. ચિરાગ બારોટ સામે ગંભીર આક્ષેપો કર્યા હોવાનું સામે આવ્યું છે. મહિલા તબીબોએ પણ આરોપો લગાવ્યા હોવાનું જણાવાયું છે.

આરોપો વચ્ચે ડો. ચિરાગ બારોટની બદલી

જુનિયર તબીબોના આરોપો બાદ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ડો. ચિરાગ બારોટની વડોદરાથી ભાવનગર મેડિકલ કોલેજમાં બદલી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. જોકે, આરોપોની તપાસ અને સમગ્ર મામલે સત્તાવાર રીતે શું કાર્યવાહી કરવામાં આવી છે તે અંગે વધુ વિગતો સ્પષ્ટ થવાની બાકી છે.

પત્ની ડો. ધરા બારોટ સામે આવ્યા

આ સમગ્ર વિવાદ વચ્ચે ડો. ચિરાગ બારોટના પત્ની ડો. ધરા બારોટ પણ સામે આવ્યા છે. તેમણે પોતાના પતિ સામે લગાવવામાં આવેલા આરોપોને ખોટા ગણાવ્યા હોવાનું જણાવાયું છે. ડો. ધરા બારોટે સવાલ ઉઠાવ્યો કે, જુનિયર તબીબો કોઈ આક્ષેપ કરે તો તેને રેગિંગ ગણવામાં આવે છે, પરંતુ તેમના પતિ પર આરોપો લાગે ત્યારે તેમના પક્ષને રજૂઆત કરવાનો અધિકાર કેમ ન મળે?

“સરકાર અમારી પણ રજૂઆત સાંભળે”

ડો. ધરા બારોટે સરકાર સમક્ષ તેમના પક્ષની પણ વાત સાંભળવાની માંગ કરી છે. હાલ SSG હોસ્પિટલમાં જુનિયર તબીબોના ગંભીર આરોપો, આરોગ્ય વિભાગની કાર્યવાહી અને ત્યારબાદ પ્રોફેસરની પત્નીના નિવેદનને કારણે સમગ્ર મામલો વધુ ગુંચવાયો છે. 


આ પણ વાંચો  :   Nepal Flood : મોત નીચે, ઉપર જોખમ... ભયાનક પૂરમાં મહિલા પાયલોટ પ્રિયા અધિકારીએ બચાવ્યા સેંકડો જીવ