વડોદરામાંથી આજના દિવસે એક મોટો અને ચોંકાવનારો નિર્ણય સામે આવ્યો છે. જો તમે આજે ખરીદી કરવા નીકળી રહ્યા હોવ તો સાવધાન થઈ જજો, કારણ કે ખિસ્સામાં રોકડ રૂપિયા નહીં હોય તો તમારે ખાલી હાથે પાછા ફરવું પડી શકે છે. વડોદરાના નાના-મોટા અંદાજે 35,000 જેટલા વેપારીઓએ એકસૂરે UPI પેમેન્ટનો સંપૂર્ણ બહિષ્કાર કરી દીધો છે. ગાંધી જયંતિના દિવસે વેપારીઓએ ‘ગાંધી ચીંધ્યા માર્ગે’ ડિજિટલ મનમાની સામે સત્યાગ્રહનું બ્યુગલ ફૂંક્યું છે.
મફતની ટેવ પાડી હવે વેપારીઓ પર ચાર્જનો બોજ?
વેપારી આલમમાં ઉકળતો ચરૂ ત્યારે બહાર આવ્યો જ્યારે UPI ટ્રાન્ઝેક્શન પર વિવિધ છૂપા ચાર્જિસ અને કમિશન વસૂલવાનું શરૂ કરાયું. વેપારીઓનો સીધો અને સણસણતો આક્ષેપ છે કે, શરૂઆતમાં ‘ડિજિટલ ઇન્ડિયા’ના નામે કેશલેસ બનવાની ટેવ પાડવામાં આવી. હવે જ્યારે ગ્રાહક અને વેપારી સંપૂર્ણપણે તેના પર નિર્ભર થઈ ગયા છે, ત્યારે કંપનીઓ અને બેંકો દ્વારા તોતિંગ ચાર્જ વસૂલીને નફાખોરી કરવામાં આવી રહી છે. ઓછા માર્જિન પર કામ કરતા સામાન્ય દુકાનદારો માટે આ વધારાનો ચાર્જ સહન કરવો મુશ્કેલ બન્યો છે.
