વડોદરામાં ગરીબો કઈ નરક જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે તેનો જીવતો-જાગતો પુરાવો માણેજા અને જાંબુઆના વુડા (VUDA) ના સરકારી આવાસોમાં જોવા મળી રહ્યો છે. આશરે 12 વર્ષ પહેલાં વડોદરાના કલ્યાણનગર ખાતે આવેલા આવાસો કોઈ કારણોસર તૂટી પડ્યા હતા અથવા તોડી પડાયા હતા, જેના કારણે ત્યાં રહેતા આશરે 200 પરિવારો બેઘર બન્યા હતા. તંત્ર દ્વારા તે સમયે આ પરિવારોને વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે માણેજા અને જાંબુઆના આવાસોમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. તંત્રએ પાકા મકાનો આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ 12 વર્ષ વીતી ગયા છતાં આ પરિવારો આજે પણ આ જ મકાનોમાં મજબૂરીની જિંદગી જીવી રહ્યા છે.
સરકારી આવાસોમાં લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા
વર્તમાન સમયમાં આ આવાસોની હાલત ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે. મકાનોની દિવાલોમાં મોટી-મોટી તિરાડો પડી ગઈ છે અને છતનું પ્લાસ્ટર ઉખડી જતાં લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે. ચોમાસાની ઋતુમાં ગમે ત્યારે છત કે દિવાલ ધરાશાયી થાય અને મોટી જાનહાનિ થાય તેવો ડર રહીશોને સતાવી રહ્યો છે. આટલું ઓછું હોય તેમ, આવાસ પરિસરમાં ડ્રેનેજ લાઈનો ઉભરાવવાથી અને કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ચારેય તરફ ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય સ્થપાયું છે. આ દૂષિત વાતાવરણના લીધે સોસાયટીમાં રહેતા નાના બાળકોમાં ચામડીના ગંભીર રોગો અને ઇન્ફેક્શન ફેલાઈ રહ્યા છે.
