વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ પાસે સવારે પાંચ વાગ્યે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો.પુરપાટ ઝડપે આવી રહેલી એક કારની અડફેટે આવી જતાં મધુબેન નામની મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.આ મામલે રાવપુરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કારમાં સવાર બે યુવકોની ધરપકડ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

મધુબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું 

વડોદરાના ખંડેરાવ માર્કેટ પાસે વહેલી સવારે પાંચ વાગ્યાના સમયે મધુબેન પોતાના પુત્ર સુનિલ માળી સાથે મોપેડ પર સવાર થઈને ફૂલ ખરીદવા માટે જઈ રહ્યા હતા. બંને જણા જ્યારે પોતાના નિત્યક્રમ મુજબ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે દોડી આવેલી એક બેફામ કારે તેમના મોપેડને જોરદાર ટક્કર મારી દીધી હતી.અકસ્માત એટલો ખતરનાક હતો કે કારની ટક્કર વાગતાં જ મોપેડ પરથી મધુબેન નીચે પટકાયા હતા.આ અકસ્માતના કારણે મધુબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.વહેલી સવારે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.

કારમાં સવાર યુવકો નશાની હાલતમાં હોવાનો આક્ષેપ

આ કરુણ દુર્ઘટના અંગે મૃતક મધુબેનના પુત્ર સુનિલ માળીએ જણાવ્યું હતું કે, અમે બંને મોપેડ પર ફૂલ લેવા માટે જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવેલા કાર ચાલકોએ અમારા વાહનને જોરદાર ટક્કર મારી દીધી હતી.ટક્કર એટલી જોરદાર હતી કે મારી માતા લગભગ 20 મીટર સુધી રસ્તા પર ઢસડાઈ ગઈ હતી.સુનિલે એવો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો કે કારમાં સવાર યુવકો નશાની હાલતમાં હોવાનું સ્પષ્ટપણે લાગી રહ્યું હતું.માતા ગુમાવનાર પુત્ર અને પરિવારજનોએ આ બેફામ કાર ચાલક આરોપીઓ સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.રાવપુરા પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરીને અકસ્માત સર્જનારી કારમાં સવાર બંને યુવકોની ધરપકડ કરી લીધી હતી.પોલીસે આ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની તપાસ તેજ બનાવી છે.

આ પણ વાંચોઃ Rajkot: દિવાળીની રાત્રે શહેરમાં અનેક સ્થળોએ આગના બનાવો, ફાયર બ્રિગેડે રાતભર પાણીનો મારો ચલાવી સ્થિતિ કાબૂમાં લીધી