કેન્દ્રશાસિત પ્રદેશ દમણના પ્રખ્યાત નાની દમણ બીચ પર આવેલા એક નાનકડા કુદરતી ટાપુ પર મોટી દુર્ઘટના બનતા સહેજમાં ટળી ગઈ છે. દરિયાના મોજાઓની મજા માણવા ગયેલો એક પરિવાર અચાનક દરિયામાં ભરતી આવી જતાં ત્યાં ફસાઈ ગયો હતો. બે નાના બાળકો સહિત પરિવારના કુલ 8 લોકો ટાપુ પર પાણી ઘેરાઈ જવાથી ભારે જોખમમાં મુકાઈ ગયા હતા.ચારેય તરફ પાણી ફરી વળતા પરિવારે કોઈપણ રીતે કિનારે પહોંચવા માટે જોખમ ખેડવાનો વારો આવ્યો હતો.

બે માસૂમ નાના બાળકો સહિત કુલ 8 સભ્યો સામેલ હતા

નાની દમણના રમણીય દરિયાકિનારે આવેલા કુદરતી ટાપુની સુંદરતા નિહાળવા અને દરિયાના ઘૂઘવતા મોજાઓ માણવા માટે એક અજાણ્યો પરિવાર ત્યાં પહોંચ્યો હતો. આ પરિવાર દરિયામાં આવતી ભરતી અને ઓટની પ્રક્રિયા તથા તેના સમયથી સાવ અજાણ હતો.સહેલગાહ દરમિયાન અચાનક સમુદ્રમાં ભરતી શરૂ થઈ ગઈ હતી અને પાણીની સપાટી ઝડપથી વધવા લાગી હતી.જોતજોતામાં ચારેય તરફથી દરિયાનું પાણી સમગ્ર ટાપુને ઘેરી વળવા માંડ્યું હતું.ટાપુ ધીરે ધીરે પાણીમાં ગરકાવ થવા લાગતાં ત્યાં હાજર પ્રવાસીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.આ પરિવારમાં બે માસૂમ નાના બાળકો સહિત કુલ 8 સભ્યો સામેલ હતા.જેમના જીવ સામે ક્ષણવારમાં મોટું જોખમ ઊભું થઈ ગયું હતું.ચારેબાજુ પાણી વધી જતાં કિનારે પાછા ફરવાનો માર્ગ પણ ધીમે ધીમે બંધ થઈ રહ્યો હતો.

ઊંડા પાણીમાંથી બહાર કાઢવા અત્યંત જોખમી

પરિવારના તમામ સભ્યો જીવ બચાવવા માટે કેડસમા દરિયાના પાણીમાં ઉતરીને ભારે મુશ્કેલી વચ્ચે ધીમે ધીમે આગળ વધ્યા હતા અને આખરે હેમખેમ કિનારે પહોંચવામાં સફળ રહ્યા હતા.ખાસ કરીને નાના બાળકોને આવા ઊંડા પાણીમાંથી બહાર કાઢવા અત્યંત જોખમી સાબિત થયું હતું પરંતુ સદનસીબે તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.સામાન્ય રીતે બહારથી આવતા અજાણ્યા પ્રવાસીઓ સાંજનો સુંદર સનસેટ જોવાની મજા માણવા માટે દમણના આ નાનકડા ટાપુ પર લટાર મારવા પહોંચી જતા હોય છે.સ્થાનિક દરિયાઈ ભરતીના સમયથી પ્રવાસીઓ માહિતગાર ન હોવાથી અચાનક ભરતીનું પાણી ટાપુ પર ફરી વળે છે અને લોકોના જીવ જોખમાય છે.ભૂતકાળમાં પણ આ જ પ્રકારે કુદરતી ટાપુ પર પ્રવાસીઓ ફસાઈ જવાની ઘટનાઓ બની ચૂકી છે જેથી પ્રવાસીઓ માટે સાવચેતી અત્યંત જરૂરી છે.

આ પણ વાંચોઃ PM Modi Today: અમેરિકાથી ઓસ્ટ્રેલિયા સુધી યોગ.... પ્રશાંતિ કુટીરમ સ્વર્ણિમ સમારોહમાં બોલ્યા પીએમ મોદી