વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુથારપાડા ગામેથી એક અત્યંત ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. નાસિક તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક ભારે માલવાહક ટ્રકની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ હતી. બ્રેક પરથી કાબૂ ગુમાવ્યા બાદ બેકાબૂ બનેલી આ મોતની ટ્રકે માર્ગ પર ભારે આતંક મચાવ્યો હતો, જેના કારણે સ્થાનિક બજાર અને રસ્તા પર અફરાતફરી અને ચિચિયારીના દ્રશ્યો સર્જાયા હતા.
15થી વધુ વાહનોને કચડ્યા બાદ ટ્રક સીધી દુકાનમાં ઘૂસી ગઈ
હાઈવે પર બ્રેક ફેલ થયા બાદ ચાલકે ટ્રક પરનો કાબૂ સંપૂર્ણપણે ગુમાવી દીધો હતો. આ બેકાબૂ ટ્રકે રસ્તા પરથી પસાર થઈ રહેલા અનેક બાઈક, કાર સહિત નાના-મોટા 15 થી વધુ વાહનોને મરણતોલ અડફેટે લીધા હતા. વાહનોનો કુરચો બોલાવ્યા બાદ પણ ટ્રકની ગતિ અટકી ન હતી અને તે સીધી જ રોડ કિનારે આવેલી એક દુકાનની દિવાલ તોડીને અંદર ઘૂસી ગઈ હતી. આ ભયાનક ટક્કરના કારણે આસપાસના લોકોમાં જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ હતી.














