બનાસકાંઠાના વાવ-થરાદ પંથકમાંથી ધોરણ 11 માં અભ્યાસ કરતી એક સગીર વિદ્યાર્થિની શંકાસ્પદ સંજોગોમાં ગુમ થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ બનાવને પગલે સમગ્ર વાવ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. શાળાએ જતી અને અભ્યાસ કરતી સગીર દીકરી અચાનક ગાયબ થઈ જતાં પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા છે અને સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

રાત્રે સૂતી વખતે રહસ્યમય રીતે ગાયબ થઈ સગીરા

પ્રાપ્ત વિગતો અનુસાર, સગીરા રોજની જેમ પોતાના ઘરે રાત્રિના સમયે સૂતી હતી, તે દરમિયાન અચાનક જ રહસ્યમય સંજોગોમાં ગાયબ થઈ ગઈ હતી. સવારે દીકરી ઘરમાં ન જણાતાં પરિવારજનોએ આસપાસના વિસ્તારોમાં અને સંબંધીઓને ત્યાં ભારે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેની કોઈ ભાળ મળી નહોતી. કોઈ અજાણ્યો શખ્સ તેને લલચાવી-ફોસલાવીને અપહરણ કરી ગયો હોવાની આશંકા સેવાઈ રહી છે, જેને કારણે પરિવારમાં ભારે શોક અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

વાવ પોલીસે અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી

આ બનાવ અંગે પરિવારજનો દ્વારા વાવ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. વાવ પોલીસે સગીરાની શોધખોળ અને આરોપીને ઝડપી પાડવા માટે આસપાસના વિસ્તારોના સીસીટીવી (CCTV) ફૂટેજ ચકાસવા સહિત સઘન તપાસનો દોર શરૂ કર્યો છે.

આ પણ વાંચો : Bhavnagar લઠ્ઠાકાંડમાં 7 કલાકથી મેરેથોન બેઠક, પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીનો તખ્તો તૈયાર?