વીકેન્ડ હોવાથી કેન્દ્રશાસિત પ્રદેશ દમણના દરિયા કિનારે હજારોની સંખ્યામાં સહેલાણીઓ મોજ-મસ્તી કરવા અને ફરવા માટે ઉમટી પડ્યા છે. ચોમાસાની સિઝનને પગલે દરિયામાં કરંટ હોવાના કારણે તંત્ર દ્વારા દરિયામાં ન્હાવા પર સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આમ છતાં, વહીવટી તંત્રની સૂચનાઓને ઘોળીને પી જતાં પર્યટકો પોતાની જિંદગી જોખમમાં મૂકી રહ્યા છે. દમણના જેટી વિસ્તારના દરિયામાં આવી જ એક બેદરકારી સામે આવી હતી, જ્યાં એક યુવકનો માંડ-માંડ જીવ બચ્યો છે.

પ્રતિબંધ છતાં ન્હાવા પડ્યો અને ડૂબવા લાગ્યો

મળતી માહિતી મુજબ, વહીવટી તંત્રની મનાઈ હોવા છતાં એક ઉત્સાહી યુવક જેટી પાસે દરિયાના પાણીમાં ન્હાવા માટે પડ્યો હતો. દરિયાના મોજાંના જોરદાર પ્રવાહ અને ઊંડા પાણીમાં આ યુવક અચાનક નિયંત્રણ ગુમાવી બેઠો હતો અને જોતજોતામાં ડૂબવા લાગ્યો હતો. યુવકને મોત સામે લડતો જોઈ કિનારે ઉભેલા લોકોમાં ભારે હોબાળો મચી ગયો હતો.

4 લાઈફગાર્ડે જીવના જોખમે આપ્યું નવજીવન

યુવકને ડૂબતો જોઈને કિનારે તૈનાત બીચ લાઈફગાર્ડના 4 સ્વયંસેવકો સહેજ પણ સમય ગુમાવ્યા વિના દરિયાના ધસમસતા મોજામાં કૂદી પડ્યા હતા. આ ચારેય બહાદુર લાઈફગાર્ડોએ પોતાના જીવનું જોખમ ખેડીને ભારે જહેમત બાદ યુવકને મોતના મુખમાંથી આબાદ રીતે બહાર કાઢી લીધો હતો. આ સ્વયંસેવકો યુવક માટે સાક્ષાત દેવદૂત સાબિત થયા હતા.

https://www.instagram.com/reel/DaaWwiojIrQ/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

લાઈફગાર્ડ બન્યા જીવન રક્ષક

ઉલ્લેખનીય છે કે, દમણના દરિયા કિનારે બેદરકારીની આ કોઈ પહેલી ઘટના નથી. થોડા દિવસો પહેલા પણ આવી જ રીતે નિયમોનું ઉલ્લંઘન કરનારા 2 યુવકો દરિયામાં ડૂબવા લાગ્યા હતા, ત્યારે પણ લાઈફગાર્ડની સતર્કતાના કારણે તેમનો જીવ બચાવી લેવાયો હતો. તંત્ર દ્વારા વારંવાર પ્રવાસીઓને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ વીકેન્ડની મજા માણે પરંતુ દરિયાના તોફાની પાણીમાં ઉતરીને પોતાની જિંદગી જોખમમાં ન મૂકે.


આ પણ વાંચો - Gujarat Rain Update: 97 તાલુકામાં ધમાકેદાર વરસાદ, જાણો કયા કેટલો વરસાદ?