ગુજરાતમાં ચોમાસાની મધ્યે મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ શરૂ કરી છે. રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં જ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં કુલ 97 તાલુકાઓ મેઘરાજાની કૃપાથી ભીંજાયા છે. હવામાન વિભાગના આંકડા અનુસાર, આજના દિવસમાં સૌથી વધુ પ્રકોપ અમરેલી જિલ્લામાં જોવા મળ્યો છે, જ્યાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 13 જેટલા તાલુકાઓમાં 1 ઇંચ કરતાં વધુ નોંધપાત્ર વરસાદ પડ્યો છે.
અમરેલી જિલ્લો પાણી-પાણી: રાજુલામાં સૌથી વધુ 8.98 ઇંચ વરસાદ
આજના વરસાદી આંકડામાં અમરેલી જિલ્લાના રાજુલામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજુલામાં સાંજે 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ 8.98 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. આ ઉપરાંત અમરેલીના અન્ય તાલુકાઓમાં પણ મેઘતાંડવ જોવા મળ્યું છે.
- ધારી: 6.85 ઇંચ
- ખાંભા: 5.51 ઇંચ
- લીલીયા: 4.21 ઇંચ
- બગસરા: 4.17 ઇંચ
- સાવરકુંડલા: 3.98 ઇંચ
- જાફરાબાદ: 3.82 ઇંચ
- અમરેલી પ્રોપર: 2.01 ઇંચ


સૌરાષ્ટ્ર અને ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ
અમરેલી ઉપરાંત ગીર સોમનાથના ઊનામાં 3.58 ઇંચ અને ગીરગઢડામાં 2.36 ઇંચ તેમજ કોડિનારમાં 1.97 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના વિજયનગરમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવતા 3.5 ઇંચ વરસાદ નોંધાવ્યો છે. ભાવનગરના મહુવામાં 2.44 ઇંચ અને દક્ષિણ ગુજરાતના વલસાડના કપરાડામાં 2.01 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે મધ્ય ગુજરાતના આણંદના તારાપુરમાં 1.57 ઇંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે અને તંત્ર એલર્ટ મોડ પર છે.


આ પણ વાંચો - Gujarat Weather Update: 61 કિમીની ઝડપે ફૂંકાશે પવન, ભારે વરસાદનું એલર્ટ, જાણો તમારા જિલ્લાની સ્થિતિ