ગુજરાતમાં ચોમાસાનો માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્ય માટે તાજેતરનું વેધર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી સમયમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા સેવાઈ રહી છે, જેને પગલે તંત્ર અને નાગરિકોને સાવધ રહેવા સૂચના અપાઈ છે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. ખાસ કરીને રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગીર સોમનાથ, દીવ, દેવભૂમિ દ્વારકા, જામનગર, ભાવનગર, બોટાદ અને મોરબીમાં પણ વહીવટી તંત્રને એલર્ટ મોડ પર રહેવા જણાવાયું છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી પંથકમાં પવન સાથે વરસાદી માહોલ જામશે.

https://twitter.com/sandeshnews/status/2073732677807849808

દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશોમાં પણ એલર્ટ

બીજી તરફ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. નવસારી અને વલસાડ સહિત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પવન સાથે ધોધમાર વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. વાવાઝોડા જેવા તેજ પવનની આશંકાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા અને નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે રહેવા માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો - Ahmedabad: આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે પૂરની આશંકા