ગુજરાતમાં આજે કડી અને વિસાવદરમાં વિધાનસભા પેટા ચૂંટણી થઈ રહી છે. આજે સવારે સાત વાગ્યાથી જ બંને બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યમાં અનેક સ્થાનો પર ભારેથી અતિભારે વરસાદનું જોર છે. દરમિયાન કડી અને વિસાવદરમાં પણ છેલ્લા બે દિવસમાં હળવાથી ભારે વરસાદ પડયો હતો. જો કે આજે સવારથી જ વિસાવદરમાં મતદાનને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો.
ભુપત ભાયાણી કર્યું મતદાન
વિસાવદરમાં ભાજપ પક્ષે કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. સંદેશ ન્યૂઝ પણ વિધાનસભા ચૂંટણીને લઈને સતત માહિતી આપી રહી છે. ત્યારે હાલમાં વિસાવદર બેઠક પર પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણીએ મતદાન કર્યું હોવાનું સામે આવ્યું. ભુપત ભાયાણી પત્ની અને પરિવાર સાથે વહેલી સવારે જ બુથ પર પહોંચી ગયા હતા. પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણીએ મતદાન કરી ભાજપના કિરીટ પટેલની જીતનો દાવો કર્યો.
મતદાનને લઈને લોકોમાં ઉત્સાહ
આ સાથે તેમણે સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે મતદાનને લઈને વિસાવદર બેઠક પર લોકોમાં ઉત્સાહ છે. અત્યારે વાવણીની સિઝન હોવાથી ખેડૂતો વહેલી સવારે મતદાન કરી પોતાના કામ પર ગયા છે. બાકીના ખેડૂતો બપોરના સમયમાં મતદાન કરશે. વધુમાં તેમણે જણાવ્યું કે અત્યારે વાવણી સિઝન છે. અમારી જ જીત થશે તેવો વિશ્વાસ છે કારણ કે પરમાત્માએ પણ અમને અમી છાંટણા કરી આર્શીવાદ આપ્યા છે.
ભાજપની જ જીત થશે
ભૂપત ભાયાણીએ કહ્યું કે મારા તાલુકા, અને મારી વિધાનસભા સીટમાં સમાવિષ્ટ ખેડૂતો, વેપારીઓ, શ્રમિકો અને રત્ન કલાકારો અને તમામ જાતિ ધર્મ સમાજના લોકો વિસાવદરની અસ્મિતા માટે, સરકારની પ્રતબિદ્ધતા માટે અને વિસાવદરના વિકાસ માટે જોરશોરથી મતદાન કરી રહ્યા છે. આજે વિસાવદરના લોકોમાં અનેરો ઉત્સાહ છે. આ જોતા લાગે છે કે ભાજપની જ જીત થશે.
કેમ બંને બેઠકો પર થઈ રહી છે ચૂંટણી
જણાવી દઈએ કે વિસાવદર બેઠક પરથી ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયા અને આપ પાર્ટીના ગોપાલ ઇટાલિયા વચ્ચે બરાબરીનો જંગ જોવા મળશે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યના રાજીનામા બાદ વીસાવદરની બેઠક ખાલી પડી હતી, જ્યારે ભાજપના વર્તમાન ધારાસભ્યનું અવસાન થતાં કડીની બેઠક ખાલી પડતા આ બંને બેઠકો પર અત્યારે વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી છે.