જૂનાગઢ (Junagadh) જિલ્લાનું વિસાવદર (Visavadar) બેઠક હંમેશાં રાજ્યના રાજકારણનું એપી સેન્ટર (Epicenter) રહી છે. હાલ આ જ વિસ્તારમાંથી એક મોટા રાજકીય સમીકરણના અણસાર મળી રહ્યા છે. વિસાવદરમાં લેઉવા પટેલ સમાજ દ્વારા સ્થાનિક ઉમેદવારની જ પસંદગી કરવામાં આવે તેવી પ્રબળ માંગ સાથે ઉગ્રસૂર ઉઠાવવામાં આવ્યો છે. વિસાવદરને સતત હાંસિયામાં ધકેલવામાં આવી રહ્યો હોવાનો બળાપો કાઢતા પાટીદાર સમાજ દ્વારા હવે આગામી રણનીતિ ઘડવા માટે એક વિશાળ સંમેલન બોલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

બિપિન રામાણીએ 'સંદેશ ન્યુઝ' સાથે કરી વાતચીત

વિસાવદરના સ્થાનિક અગ્રણી બિપિન રામાણી (Bipin Ramani) એ 'સંદેશ ન્યુઝ' (Sandesh News) સાથેની ખાસ વાતચીતમાં પંથકની રાજકીય સ્થિતિ અંગે ખુલીને વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, બહારથી આવતા ઉમેદવારોના કારણે સ્થાનિક પ્રશ્નો અને જનતાની અપેક્ષાઓ અધ્ધરતાલ રહી જાય છે. આ જ કારણોસર આગામી વિધાનસભા ચૂંટણી (Assembly Election) માં વિસાવદરના સ્થાનિક અગ્રણીઓ અને ઉમેદવારોને જ પ્રાધાન્ય મળે તે અત્યંત આવશ્યક છે. આ મુદ્દે સમાજના આગેવાનો દ્વારા હાલ બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં મોટું સંમેલન યોજવામાં આવશે.

સ્થાનિક નેતૃત્વની ઉપેક્ષા સામે સમાજમાં રોષ

વિસાવદર પંથકમાં દિન-પ્રતિદિન રાજકીય ગરમાવો વધી રહ્યો છે. લાંબા સમયથી બહારના કે આયાતી નેતાઓને લાદવામાં આવતા સ્થાનિક કાર્યકરો અને અગ્રણીઓમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. હવે લેઉવા પટેલ સમાજ દ્વારા એક થઈને 'સ્થાનિક ઉમેદવાર' (Local Candidate) ના મુદ્દાને પાયા પર લાવવામાં આવ્યો છે, જેના કારણે રાજકીય પક્ષોના સમીકરણો પણ બદલાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.

આ પણ વાંચો : Dahgamના અંગુથલા ગામે માનવતાને શરમાવતી ઘટના, ગૌચરના કોતરમાંથી ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી