હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે..હવામાન સિંક્રોનાઇઝેશન મુજબ, રાજ્ય અને આસપાસના વાતાવરણમાં એકસાથે 5 જેટલી સક્રિય વરસાદી સિસ્ટમો કામ કરી રહી છે. આ પાંચ સિસ્ટમ્સના પાવરફુલ કોમ્બિનેશનના કારણે સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં તોફાની વરસાદ વરસશે. આજે સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ક્યાંક ફરીવાર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે રાજ્યમાં છેલ્લા બે કલાકમાં 110 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે.
છેલ્લા 2 કલાકમાં 110 તાલુકાઓમાં મેઘમહેર
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે આજે બપોરે 2 થી 4 વાગ્યા સુધીના માત્ર બે કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 110 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ખાબક્યો છે. નેત્રંગમાં માત્ર બે જ કલાકમાં 4.45 ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાતા ચારેકોર પાણી-પાણી થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતના અન્ય તાલુકાઓની વાત કરીએ તો સુરતના અંબિકામાં 3.94 ઈંચ, માંગરોળમાં 2.99 ઈંચ, વલસાડના ધરમપુરમાં 3.39 ઈંચ અને વલસાડ શહેરમાં 2.32 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય ડાંગના સુબિરમાં 2.83 ઈંચ, મધ્ય ગુજરાતમાં ખેડાના વસોમાં 2.65 ઈંચ તથા મહેમદાવાદમાં 2.44 ઈંચ વરસાદ પડ્યો છે. સાથે જ નવસારીના ખેરગામમાં 2.44 ઈંચ અને વાંસદામાં 2.40 ઈંચ વરસાદ નોંધાયો છે.
