અસહ્ય બફારા અને આકરી ગરમીનો સામનો કરી રહેલા ગુજરાતના નાગરિકો અને ખાસ કરીને જગતના તાત એવા ખેડૂતો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાહતના સમાચાર આપ્યા છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ, રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાની એન્ટ્રી ખૂબ જ શાનદાર અને ધમાકેદાર રહેવાની છે. જો કે, ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં રાજ્યના લોકોને 22 જૂન સુધી ગરમીનો આકરો પ્રકોપ સહન કરવો પડશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે, જે ગરમીનો અંતિમ રાઉન્ડ સાબિત થશે.
16 જૂનથી જ પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો ધબડકો
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં ૧૬ થી ૨૧ જૂન દરમિયાન વાતાવરણમાં મોટો પલટો આવશે. આ સમયગાળામાં ભારે પવન, કડાકા-ભડાકા અને તીવ્ર ગાજવીજ સાથે પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ભારે વરસાદ વરસી શકે છે. ત્યારબાદ, 18 જૂનથી 28 જૂન વચ્ચે ચોમાસું વિધિવત રીતે ગુજરાતમાં પ્રવેશી જશે. આ વર્ષે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક પછી એક સાયક્લોનિક સરક્યુલેશન અને લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે ચોમાસાની શરૂઆત ખૂબ જ મજબૂત રહેશે.










