હવામાન વિભાગ દ્વારા દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.75 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી સાથે આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ, તમિલનાડુ તેમજ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.આ હવામાન એલર્ટમાં ગુજરાતનો કોઈ ઉલ્લેખ નથી.રાજ્યમાં હાલ મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.જેમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવવાને કારણે તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીની વધઘટ જોવા મળી રહી છે. રાજ્યમાં લઘુતમ તાપમાન 20થી 21 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે.જ્યારે અમરેલીમાં સૌથી નીચું 17.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
સૌથી ઠંડા નગર તરીકે આજે નલિયા કરતાં અમરેલી નોંધાયું
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી ધીમી ગતિએ આગળ વધી રહી છે.સતત બીજા દિવસે અમરેલી, નલિયા, રાજકોટ, જૂનાગઢ, કેશોદ, મહુવા સહિતના શહેરોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો પારો એકથી બે ડિગ્રી સુધી નીચે સરકી જતાં સવાર-સાંજે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.રાજ્યમાં સૌથી ઠંડા નગર તરીકે આજે નલિયા કરતાં અમરેલી નોંધાયું છે.અમરેલીમાં 17.4,નલિયામાં 17.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.જ્યારે મહુવા-કંડલામાં 18.7, રાજકોટમાં 19, જૂનાગઢ-કેશોદમાં 19.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.પોરબંદરમાં 20, દીવમાં 21.6, સુરેન્દ્રનગર-ભાવનગરમાં 21.8, દ્વારકામાં 24.2, વેરાવળમાં 24.6 અને ઓખામાં 25.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
