ગુજરાતમાં હાલ હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે, જેમાં નાગરિકો એકસાથે બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. એકતરફ ચોમાસા પહેલાં અસહ્ય ગરમી અને બફારો લોકોને બેહાલ કરી રહ્યો છે, તો બીજી તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં આગામી દિવસોના વાતાવરણને લઈને એક મહત્વની આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે, જેને કારણે લોકોને અસહ્ય ઉકળાટ અને ગરમીનો સામનો કરવો પડશે.
નાગરિકો માટે વરસાદના રાહતના સમાચાર
જો કે, આ કાળઝાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતના નાગરિકો માટે વરસાદના રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જિલ્લા સહિત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોમાં આગામી સમયમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 12 જૂનથી 14 જૂન દરમિયાન ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેને કારણે દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજા ફરીથી ધમાકેદાર હાજરી પુરાવી શકે છે.










