ગુજરાતમાં જૂન મહિનો વરસાદને લઈને કોરો ગયો હતો. પરંતુ જુલાઈ મહિનામાં શરૂઆતમાં વરસાદનો પ્રથમ રાઉન્ડ થયો અને મહિનાના અંતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો હતો. અલ નીનોની અસરને કારણે વરસાદ ખેંચાતા ખેડૂત સહિતનો વર્ગ ચિંતામાં મુકાયો હતો. પરંતુ ત્યાર બાદ ભારે વરસાદના બે રાઉન્ડ થતાં સમગ્ર રાજ્યમાં જળાશયોમાં નવી નીરની આવક થવા પામી છે. જુલાઈ મહિનામાં સારો વરસાદ થતાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. આજ દિવસ સુધી જુલાઈમાં સિઝનનો કુલ 60.62 ટકા વરસાદ ખાબક્યો છે. 

ઓગસ્ટમાં કેટલો વરસાદ થશે?

ગુજરાતમાં જુલાઈ મહિનો આજે પૂર્ણ થશે અને આવતીકાલથી ઓગસ્ટ મહિનો ચાલુ થશે. IMDના ડિરેક્ટર જનરલે માહિતી આપતાં કહ્યું હતું કે, ઓગસ્ટ મહિનામાં કેટલો વરસાદ થશે તેની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે ઓગસ્ટ મહિનામાં દેશમાં સામાન્યથી ઓછો વરસાદ રહેશે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી ઓછો વરસાદ વરસશે. જ્યારે ગુજરાતમાં પણ વરસાદ ઓછો નોંધાશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં સામાન્યથી વધુ તાપમાન રહેશે. વરસાદમાં ઘટ પડવાનું કારણ અલનીનોની સ્થિતિ છે. હવામાન વિભાગે કહ્યું હતું કે, સપ્ટેમ્બરના અંત સુધીમાં વધુ અપડેટ જાહેર કરવામાં આવશે. ખેડૂતોને સતર્ક રહેવા માટે અપીલ કરાઈ છે.  

ગુજરાતમાં જુલાઈ મહિનામાં નોંધાયેલો વરસાદ

ગુજરાતમાં ચાલુ મોસમ દરમિયાન ઝોન વાઇઝ વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ મેઘમહેર જોવા મળી છે. જ્યાં અત્યાર સુધીમાં સરેરાશ 1224.47 મીમી એટલે કે મોસમનો સૌથી વધુ 79.41 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં 406.01 મીમી (49.57 ટકા), સૌરાષ્ટ્રમાં 335.20 મીમી (43.98 ટકા) અને ઉત્તર ગુજરાતમાં 310.56 મીમી (42.52 ટકા) સરેરાશ વરસાદ નોંધાયો છે. બીજી તરફ કચ્છ ઝોનમાં પ્રમાણમાં સૌથી ઓછો વરસાદ થયો છે, જ્યાં અત્યાર સુધીમાં માત્ર 95.20 મીમી એટલે કે મોસમનો 19.05 ટકા વરસાદ જ વરસ્યો છે.

આ પણ વાંચોઃ Ahmedabad: ગુજરાતમાં 7 દિવસ ભયાનક વરસાદની આગાહી, 5 સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ-સુરત સહિત 5 જિલ્લામાં રેડ એલર્ટ