ગુજરાતમાં વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આ ઉપરાંત રાત થતાં જ ફરી પાછી ઠંડક વર્તાઈ રહી છે. હાલમાં રાજ્યમાં હાલ ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાને કારણે મિશ્ર ઋતુની અસર જોવા મળી રહી છે.હવામાન વિભાગની આગાહી મુજબ,રાજ્યના સૌથી નીચા તાપમાનમાં મહુવા અને અમરેલી ખાતે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયું છે. જ્યારે દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ઠંડીનો પારો 20 ડિગ્રીની અંદર પહોંચી ગયો
સૌરાષ્ટ્ર-કચ્છમાં અડધો ડઝનથી વધુ શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીની અંદર પહોંચી ગયો છે.ઠંડાગાર તરીકે ઓળખાતા કચ્છના નલીયા કરતા અમરેલી, પોરબંદર, વેરાવળમાં એક ડિગ્રી ઘટાડો થયો નલીયામાં છેલ્લા 24 કલાક દરમિયાન ઠંડીનો પારો 3 ડિગ્રી વધી 20 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે.કચ્છ અને દ્વારકા પંથકમાં ધુમ્મસના કારણે સવારનો નજારો આહલાદક બની ગયો હતો.સૌરાષ્ટ્ર-કચ્છમાં એક રાતમાં ઠંડી અને ગરમીના પારામાં સામાન્ય ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. પોરબંદરમાં બે ડિગ્રી,અમરેલી,વેરાવળમાં એક ડિગ્રીનો ઘટાડો થયો છે તો દ્વારકા,ઓખા,નલીયા,કંડલામાં પારો ઉંચકાયો છે.જ્યારે મહત્તમ તાપમાનમાં પણ પોરબંદર, રાજકોટ, વેરાવળ, દીવમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થયો છે.
