હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં ઉત્તર પશ્ચિમી પવનો ફૂંકાવાને કારણે ગરમીનું જોર વધશે અને ઉનાળા જેવી આકરી ગરમીની અસર અનુભવાશે.જેમાં રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો 39 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. અમદાવાદ, સુરત અને રાજકોટ શહેરમાં ઓક્ટોબરમાં શિયાળાની શરૂઆતમાં જ ગરમીનો પારો ઊંચકાયો છે.આગામી 19 ઓક્ટબર સુધી રાજ્યમાં મહત્તમ તાપમાન 36થી 39 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.જ્યારે લઘુત્તમ તાપમાન 19થી 24 ડિગ્રીની વચ્ચે રહી શકે છે. હવામાન વિભાગે ગરમીની અસર વચ્ચે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. 

સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદિપ શર્માએ કહ્યું હતું કે, ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં ગરમીએ નવ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.જેમાં અમદાવાદ ખાતે મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.અગાઉ વર્ષ 2017માં ઓક્ટોબરમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 39.4 ડિગ્રી સુધી પહોંચ્યું હતું.જ્યારે વર્ષ 2024માં 38.4 ડિગ્રી નોંધાયું હતું.હાલ અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન છે.રાજ્યમાં આગામી 7 દિવસ સુધી તાપમાન યથાવત રહેશે અને ગરમીનું જોર જળવાઈ રહેશે.જોકે, મૌસમી ટ્રફની અસરને કારણે આગામી 19 ઓક્ટોબરના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી તેમજ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.આ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે.

તાપમાનનો પારો ઊંચકાતા ગરમીની અસર

રાજકોટ શહેરની વાત કરીએ તો છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ઊંચકાતા ગરમીની અસર વર્તાઈ રહી છે. છેલ્લા બે દિવસથી શહેરમાં 39 ડિગ્રી કરતાં વધુ તાપમાન નોંધાયું છે. બીજી તરફ અમરેલીમાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. રાજકોટના આજના હવામાન અંગે વાત કરીએ તો, આજે શહેરમાં મહત્તમ તાપમાન 39 અને લઘુતમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે. અમદાવાદની વાત કરીએ તો, મહતમ 39 અને લઘુતમ 24 ડિગ્રી તાપમાન રહી શકે છે. વડોદરામાં પણ મહતમ 37 અને લઘુતમ 24 ડિગ્રી સુધીનું તાપમાન રહી શકે છે. 

લોકોને એસીનો સહારો લેવો પડી રહ્યો છે

સુરત શહેરમાં ઓક્ટોબર હીટ આક્રમક બનતાં શહેરીજનો અસહ્ય ઉકળાટથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.માત્ર એક જ દિવસમાં તાપમાનનો પારો દોઢ ડિગ્રીનો વધારો નોંધતાં મહત્તમ તાપમાન 38.1 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે.પાછલા બે વર્ષ-2021 અને 2022ના ઓક્ટોબર માસના મહત્તમ તાપમાનનો રેકોર્ડ તૂટ્યો છે.હવામાન વિભાગના પાછલા આઠ વર્ષના આંકડા તપાસતાં આ બીજી વખત બન્યું છે જ્યારે ઓક્ટોબરમાં પારો 38 ડિગ્રીની સપાટી વટાવી ગયો છે.આ પૂર્વે વર્ષ 2012માં સર્વોચ્ચ 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે હજી પણ ઓલ ટાઈમ ઓલટાઇમ હાઈ રેકોર્ડ છે. શહેરમાં બપોરની સાથે રાતના વાતાવરણમાં પણ ગરમાવો વધ્યો છે.લઘુત્તમ તાપમાન 23.8 ડિગ્રી નોંધાયું હતું,જેથી રાત્રિ દરમિયાન પણ લોકોને એસીનો સહારો લેવો પડી રહ્યો છે. 


આ પણ વાંચોઃ Kutch: માંડવીમાં ₹45 લાખનું આંધણ કરીને લગાવેલા 81 CCTV કેમેરા વર્ષોથી શોભાના ગાંઠિયા! વાયરો ચોરાઈ ગયા ને તંત્ર ઊંઘતું ઝડપાયું