ડાંગ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે મેઘરાજાએ તોફાની ઇનિંગ શરૂ કરી દીધી છે. ગુજરાતના પ્રખ્યાત ગિરિમથક સાપુતારા અને તેની નીચે આવેલા તળેટીના વિસ્તારોમાં ગત રોજ મોડી સાંજે અને રાત્રે પ્રચંડ પવનના વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. લાંબા સમયના આકરા ઉનાળા બાદ પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે સાપુતારામાં શિયાળા જેવી ગુલાબી ઠંડી અને આહલાદક વાતાવરણનો અહેસાસ થઈ રહ્યો છે.
વૃક્ષો પડતાં માર્ગો અવરોધાયા
આ મેઘમહેર પોતાની સાથે વાવાઝોડાની આફત પણ લઈને આવી હતી. સાપુતારાના મુખ્ય પ્રવાસી વિસ્તારો અને તળેટીને જોડતા ઘાટ માર્ગો પર ભારે પવનના કારણે અનેક મોટા વૃક્ષો મૂળમાંથી ઉખડીને રસ્તા પર ધરાશાયી થઈ ગયા હતા, જેને પગલે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. આ ઉપરાંત, પ્રચંડ પવનના ઝાપટાંને કારણે સ્થાનિક ધંધાર્થીઓ અને નાના વેપારીઓની દુકાનોના પતરાના શેડ અને કાચા છાપરા હવામાં ઉડી ગયા હતા. આ અણધારી આફતના કારણે સ્થાનિક બજારો અને હંગામી સ્ટોલ ચલાવતા વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
પ્રવાસીઓ અને ખેડૂતોમાં ભારે ખુશી
બીજી તરફ, આ વરસાદના કારણે ગિરિમથક સાપુતારા ખાતે ફરવા આવેલા પ્રવાસીઓમાં અદભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ અને વરસાદી વાછટની મજા માણતા પર્યટકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને વીકએન્ડ જેવો માહોલ સર્જાયો હતો. આ વરસાદ ડાંગના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો માટે પણ આશીર્વાદરૂપ સાબિત થયો છે. ઉનાળુ પાક અને આગામી ચોમાસાની ખેતીની તૈયારીઓ કરી રહેલા જગતના તાતને આ વરસાદથી મોટી આંશિક રાહત મળી છે, જેને પગલે ડાંગના આદિવાસી ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો: Ahmedabad: ગુજરાતમાં 150 તાલુકામાં મેઘતાંડવ, વહેલી સવારથી વધુ 6 તાલુકાઓમાં વરસાદી માહોલ









