આણંદ અને વલ્લભ વિદ્યાનગર સહિત સમગ્ર જિલ્લામાં ગત મોડી રાત્રે કુદરતે અચાનક મિજાજ બદલ્યો હતો. રાત્રિના ૧૧ વાગ્યાની આસપાસ અચાનક પવનની ગતિમાં પ્રચંડ વધારો થયો હતો અને જોતજોતામાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. પવન એટલો તેજ હતો કે રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી, જેના કારણે વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ હતી અને વાહનચાલકો જ્યાં-ત્યાં થંભી ગયા હતા. ત્યારબાદ વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા.

શહેરમાં અંધારપટ અને ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી

આ મીની વાવાઝોડાના પ્રચંડ વેગને કારણે આણંદ અને વલ્લભ વિદ્યાનગરના મુખ્ય માર્ગો તેમજ સોસાયટીઓ મળીને 10 થી વધુ મોટા વૃક્ષો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયા હતા. સદનસીબે રાત્રિનો સમય હોવાથી કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી, પરંતુ વૃક્ષો પડવાના કારણે કેટલાક આંતરિક રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા. વાવાઝોડું શરૂ થતાંની સાથે જ સુરક્ષાના ભાગરૂપે અને વીજલાઈનો પર ડાળીઓ પડવાના કારણે સમગ્ર આણંદ શહેરમાં પાવર સપ્લાય ગુલ થઈ ગયો હતો. કલાકો સુધી અંધારપટ છવાઈ જવાના કારણે નાગરિકોને ઉનાળાની રાત્રે ભારે હાલાકી ભોગવવી પડી હતી.

ચરોતરના સોના સમાન બાજરીના પાક પર સંકટ

આ વરસાદના કારણે વાતાવરણમાં ભલે ઠંડક પ્રસરી ગઈ હોય અને ગરમીથી રાહત મળી હોય, પરંતુ જિલ્લાના ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. હાલ આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળુ બાજરીનો પાક બિલકુલ તૈયાર અવસ્થામાં છે અને લણણીની કામગીરી ચાલી રહી છે. તેવામાં આ તોફાની પવન અને વરસાદના કારણે ખેતરોમાં બાજરીનો પાક આડો પડી ગયો હોવાના અહેવાલો છે, જેનાથી પાકની ગુણવત્તા બગડશે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે તેવી ભીતિ સેવાઈ રહી છે.

આ પણ વાંચો: Dahod: દાહોદ કાર્નિવલ મેળો વેરવિખેર, પવનથી લાકડાનો ભવ્ય પ્રવેશદ્વાર ધરાશાયી, દુકાનોના પતરા ઉડ્યા