દાહોદ શહેરમાં આયોજિત થનારા વાર્ષિક આકર્ષણ સમાન 'દાહોદ કાર્નિવલ મેળા' પર પ્રી-મોન્સૂન વાવાઝોડાએ કાળો કેર વર્તાવ્યો છે. ગત મોડી રાત્રે અચાનક ફૂંકાયેલા અતિ તીવ્ર પવનના કારણે મેળાના ગ્રાઉન્ડ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. પવનની ગતિ એટલી પ્રચંડ હતી કે મેળામાં આકર્ષણનું કેન્દ્ર બને તેવો અને લાકડાની મજબૂત ફ્રેમથી ઊભો કરાયેલો મુખ્ય પ્રવેશદ્વાર પત્તાના મહેલની જેમ જમીનદોસ્ત થઈ ગયો હતો.
દુકાનોના પતરા હવામાં ઉડ્યા, મેદાન પર અરાજકતા
આ વાવાઝોડાના કારણે મેળામાં બહારથી આવેલા વેપારીઓ માટે તૈયાર કરવામાં આવેલા વ્યવસાયિક સ્ટોલ અને રાત્રિ બજારની દુકાનોના શેડ તથા પતરા હવામાં ફંગોળાઈને દૂર જઈ પડ્યા હતા. આખી રાત ચાલેલા આ તોફાની પવનના લીધે મેળાના મેદાન પર ઠેર-ઠેર લાકડાના પાટિયા, લોખંડના પાઇપ અને પતરાનો કાટમાળ વેરવિખેર થઈ જતાં સવારે અરાજકતા જેવી સ્થિતિ જોવા મળી હતી. આ દુર્ઘટનાને પગલે મેળાના આયોજકો અને પોતાના આજીવિકાના સાધનો ગોઠવી રહેલા નાના-મોટા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
મોટી જાનહાનિ ટળી, તંત્ર દ્વારા મોનિટરિંગ
જોકે, આ સમગ્ર નુકસાની વચ્ચે સૌથી મોટા રાહતના સમાચાર એ છે કે મેળામાં લગાવવામાં આવેલા મોતના કૂવા, બ્રેક ડાન્સ અને જાયન્ટ વ્હીલ જેવા આકાશ આંબતા કોઈપણ મોટા ઝૂલાને કોઈ નુકસાન પહોંચ્યું નથી. જો મેળો ચાલુ હોત અને આ ઘટના બની હોત તો મોટી હોનારત સર્જાઈ શકી હોત, પરંતુ મેળો શરૂ થવાનો બાકી હોવાથી અને મધરાત્રે મેદાન ખાલી હોવાથી મોટી જાનહાનિ ટળી છે. ઘટનાની ગંભીરતાને જોતાં દાહોદ જિલ્લા પ્રશાસન અને નગરપાલિકાની ટીમો સવારથી જ ગ્રાઉન્ડ પર પહોંચી ગઈ છે અને સુરક્ષાના માપદંડોને ધ્યાનમાં રાખીને સમગ્ર સ્થિતિનું મૂલ્યાંકન અને નુકસાનીનો સર્વે કરવાની કામગીરી હાથ ધરી છે.









