બનાસકાંઠા જિલ્લાના હવામાનમાં મોડી રાત્રે મોટો પલટો આવ્યો હતો. પાલનપુર શહેર, વડગામ, દાંતા અને અમીરગઢ પંથકમાં ધૂળની ડમરીઓ ઉડ્યા બાદ વીજળીના પ્રચંડ કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. મોડી રાત્રે આવેલા આ તોફાની વરસાદના કારણે નીચાણવાળા રોડ-રસ્તાઓ પર ચોમાસાની જેમ પાણી ભરાઈ ગયા હતા. જોકે, આ વરસાદથી લોકોને ગરમી અને અસહ્ય ઉકળાટથી મોટી રાહત મળી છે, પરંતુ ખેડૂતો માટે આ માવઠું આફત બનીને આવ્યું છે.
ગલગોટાની ખેતી કરતા ખેડૂત પાયમાલ
ભારે પવન સાથે આવેલા કમોસમી વરસાદના કારણે અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ નજીક આવેલા આકોડના એક ખેતરમાં મોટી નુકસાનીના અહેવાલ છે. અહીં રહેતા સ્થાનિક ખેડૂત મનજીભાઈએ પોતાના ખેતરમાં ગલગોટા (ફૂલ) નું મોટું વાવેતર કર્યું હતું. ફૂલોનો પાક ઉતારવાની તૈયારી પર હતો, તેવામાં ગત રાત્રિના ફૂંકાયેલા ચક્રવાતી પવને આખો પાક વેરવિખેર કરી નાખ્યો છે. ભારે પવનને કારણે મનજીભાઈના ખેતરમાંથી ગલગોટાના આશરે 1200 જેટલા છોડ મૂળમાંથી ઉખડીને તૂટી પડ્યા છે. માસૂમ છોડ નષ્ટ થઈ જતાં ખેડૂત પરિવારને અંદાજે 30 થી 40 હજાર રૂપિયાનું મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
પાક બચાવવા ખેડૂતોની દોડધામ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ આગામી સમયમાં તીવ્ર પવન અને ગાજવીજ સાથે વધુ વરસાદ પડવાની સંભાવના છે. આ નવી આગાહીને પગલે સમગ્ર જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. ખેતરોમાં ઊભેલા ઉનાળુ પાક તેમજ માર્કેટ યાર્ડમાં પડેલા અનાજને કમોસમી વરસાદથી બચાવવા માટે અત્યારે ખેડૂતો અને વેપારીઓ તાડપત્રી ઢાંકવા સહિતના તમામ પ્રયાસો કરી રહ્યા છે.
આ પણ વાંચો: Navsari: દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં પ્રસરી ઠંડક, ગરમીથી રાહત









