નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી જ હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજાએ તોફાની ઇનિંગ શરૂ કરી દીધી છે. જિલ્લાના મુખ્ય વ્યાપારી મથકો એવા ગણદેવી, બીલીમોરા અને ચીખલી પંથકમાં સવારના સમયે કાળાડિબાંગ વાદળોની ફોજ વચ્ચે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. માત્ર થોડા જ કલાકના ધોધમાર વરસાદના કારણે નવસારીના મુખ્ય માર્ગો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે સવારના સમયે નોકરી-ધંધે જતા વાહનચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

કેરીનો પાક જોખમમાં

નવસારી અને ગણદેવી પંથક આફુસ કેરીના ઉત્પાદન માટે આખા દેશમાં જાણીતો છે. આ વર્ષે પહેલેથી જ વાતાવરણની અનિયમિતતાને કારણે કેરીનો પાક ઓછો ઉતર્યો છે, તેવામાં આજના તોફાની વરસાદે બાગાયતદારો અને ખેડૂતોની કમર તોડી નાખી છે. વરસાદ અને તીવ્ર પવનના કારણે આંબા પર બચેલી અને તૈયાર થવા આવેલી કેરીઓ ખરી પડવાની તેમજ તેમાં કાળી મસી અથવા બગાડ થવાની મોટી ભીતિ સેવાઈ રહી છે. આ કમોસમી માવઠાને કારણે જગતનો તાત આર્થિક પાયમાલીના આરે આવીને ઊભો રહી ગયો છે.

પહેલા વરસાદમાં જ વીજ કંપનીના ગાબડાં

હંમેશાની જેમ આ વર્ષે પણ ચોમાસા પૂર્વે કરોડોના ખર્ચે પ્રી-મોન્સૂન મેન્ટેનન્સના દાવા કરતી દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) ની પોલ ઉઘાડી પડી ગઈ છે. વરસાદનો હજુ પ્રથમ રાઉન્ડ શરૂ જ થયો ત્યાં જ ચીખલી શહેર તેમજ તેના ગ્રામ્ય પંથકના અનેક વિસ્તારોમાં ધડાકાભેર વીજળી ગુલ થઈ ગઈ હતી. કલાકો સુધી પાવર સપ્લાય બંધ રહેતા ડિજિટલ કામકાજ અટવાઈ પડ્યા હતા. જોકે, છેલ્લા ઘણા સમયથી અસહ્ય ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ગયેલા સામાન્ય નાગરિકોને વાતાવરણમાં ઓગળેલી ઠંડકના કારણે મોટી રાહત ચોક્કસ મળી છે.

આ પણ વાંચો: Junagadh: ઉના અને વંથલીમાં વહેલી સવારે ધીમીધારે વરસાદ, વાદળછાયા માહોલ વચ્ચે ઠંડક પ્રસરી