ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહીની વ્યાપક અસર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી જ ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેર તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.

વરસાદથી ખેડૂતોની ચિંતા વધી

ઉના પંથકમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા સમગ્ર વિસ્તારમાં આશ્ચર્ય સાથે ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે. આ વરસાદના કારણે ખેતરોમાં ઉભેલા કે ખુલ્લામાં પડેલા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે ધરતીપુત્રો ભારે ચિંતામાં મુકાયા છે.

સૌરાષ્ટ્રના હવામાનમાં અચાનક પલટો

બીજી તરફ, જૂનાગઢ જિલ્લાના વાતાવરણમાં પણ અણધાર્યો ફેરફાર નોંધાયો છે. જૂનાગઢના વંથલી અને તેની આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે પવન સાથે વરસાદનું હળવું ઝાપટું પડ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાના કારણે સ્થાનિક લોકો તોબા પોકારી ગયા હતા, ત્યારે વહેલી સવારે વાતાવરણમાં ઘોળાયેલી આ ઠંડકના કારણે લોકોને ગરમીથી મોટી રાહત મળી છે. હાલમાં પણ આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ બનેલું છે અને ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે.

આ પણ વાંચો: Meghraj: જીતપુર ગામે ભારે પવન સાથે વરસાદ, મકાનની છત અને દીવાલ ધરાશાયી