ચોમાસાની શરૂઆત પહેલા કરોડો રૂપિયાના ખર્ચે નાળા સફાઈ અને પ્રી-મોન્સૂન કામગીરીના બણગાં ફૂંકતા દાહોદ જિલ્લા વહીવટી તંત્રની વાસ્તવિકતા ચોમાસાના પ્રથમ રાઉન્ડે જ ખુલ્લી પાડી દીધી છે. મધ્યરાત્રિથી દાહોદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી. રાતભર વરસેલા અનરાધાર વરસાદના કારણે હાઇવે અને નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે, પરંતુ સૌથી બદતર અને દયનીય સ્થિતિ લીમડી ગામમાં જોવા મળી રહી છે, જ્યાં વહીવટી તંત્રની ઘોર બેદરકારીના કારણે સેંકડો નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે.
રસ્તાઓ બન્યા સ્વિમિંગ પૂલ, સોસાયટીઓ બંધક
લીમડી ગામની ભૌગોલિક સ્થિતિ અને ત્યાં કથળેલા ટાઉન પ્લાનિંગના કારણે વરસાદી પાણીની સાથે આસપાસની ખુલ્લી ગટરોના ગંદા અને દૂષિત પાણી સીધા સોસાયટીઓમાં ઘૂસી ગયા છે. ખાસ કરીને લીમડીની ખ્યાતનામ અણુશ્રીધામ સોસાયટી અને દીપનગરના તમામ આંતરિક રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. વાહનો તો દૂર, નાગરિકોને પગપાળા ચાલવું પણ અશક્ય બન્યું છે. વરસાદી પાણીની સાથે ગટરના ગંદા પાણી મિક્સ થઈને લોકોના ઘરના આંગણા અને ઓટલા સુધી પહોંચી જતાં સ્થાનિક મહિલાઓ અને બાળકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.










