રાજભવન, ગાંધીનગર ખાતે આજે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં  રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો હતો.


યોગથી આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત થાય છે

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, યોગ માત્ર શરીરને સ્વસ્થ રાખવાનો ઉપાય માત્ર નથી, પણ યોગ એ આપણા ચિત્ત, મન અને આત્માને એકાગ્ર બનાવીને પરમ ઉદ્દેશ્ય — મોક્ષ ભણી લઈ જતો માર્ગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ વગેરે યોગના અંગો છે અને જે લોકો યોગને પોતાના જીવનનો નિયમિત ભાગ બનાવે છે, તેમને જીવનમાં આરોગ્ય અને સુખ તો સાંપડે જ છે, પણ સાથે આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ પણ પ્રશસ્ત થાય છે.

શરીરમાદ્યં ખલુ ધર્મસાધનમ્

રાજ્યપાલે કહ્યું કે, માનવ જીવનમાં સૌથી મૂલ્યવાન જો કંઈ હોય તો એ છે – આપણું આરોગ્ય. શરીર દ્વારા જ આપણે જીવનના અનેક કાર્યો કરી શકીએ છીએ અને સમાજ, પરિવાર તથા રાષ્ટ્ર સાથે જોડાઈએ છીએ. જ્યારે શરીર જ સાથ નહીં આપે તો બધા સંબંધો પણ સમાપ્ત થઈ જાય છે. એટલા માટે જ આપણા ધર્મશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે – 'શરીરમાદ્યં ખલુ ધર્મસાધનમ્', અર્થાત્ આ શરીર ધર્મ-કર્મ તથા કલ્યાણના બધા કાર્યો માટેનું મુખ્ય સાધન છે.

યોગાભ્યાસ બાદ રાજ્યપાલે સૌને સ્વસ્થ જીવન શૈલી અપનાવવાના શપથ લેવડાવ્યા હતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યોગના વૈશ્વિક પ્રસાર માટેની ભૂમિકા અંગે રાજ્યપાલે જણાવ્યું કે, આજથી 11 વર્ષ પહેલાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઘોષિત કરવામાં આવ્યો. આજે વિશ્વના લગભગ તમામ દેશોમાં યોગ અપનાવવામાં આવ્યો છે.  યોગ એ ભારતની સાંસ્કૃતિક શક્તિનો વૈશ્વિક વિસ્તાર છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ રાજભવન પરિવારના સભ્યોને યોગ દિવસની શુભકામનાઓ પાઠવીને જીવનમાં સ્વાસ્થ્યના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. યોગાભ્યાસ બાદ રાજ્યપાલે સૌને સ્વસ્થ જીવન શૈલી અપનાવવાના શપથ લેવડાવ્યા હતા.

પ્રસિદ્ધ યોગ શિક્ષક અશ્વિનભાઈ દવેએ માર્ગદર્શન આપ્યું

યોગ અભ્યાસમાં ગાંધીનગરના પ્રસિદ્ધ યોગ શિક્ષક અશ્વિનભાઈ દવેએ માર્ગદર્શન આપ્યું હતું. તેઓ છેલ્લા 27 વર્ષથી ગાંધીનગરમાં યોગસાધના અને તાલીમ આપીને સમાજસેવા કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તેઓ 25,000થી વધુ લોકોને યોગ શીખવી ચૂક્યા છે. સમારંભના અંતે રાજ્યપાલશ્રીએ યોગ શિક્ષક શ્રી અશ્વિનભાઈ દવેનું રાજભવન પરિવાર તરફથી સન્માન કર્યું હતું અને તેમની યોગ પ્રત્યેની પ્રતિબદ્ધતા તથા નિરંતર સેવા ભાવનાની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલના અગ્રસચિવ અશોક શર્મા, કર્તવ્યનિષ્ઠ પરિસહાય લેફ્ટનન્ટ શુભમ કુમાર, ગૃહ નિયામક અમિત જોશી અને અન્ય અધિકારીઓ તેમજ કર્મચારીઓએ યોગાભ્યાસ કર્યો હતો.


  • Follow us on: