આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પરથી એક અત્યંત ચિંતાજનક અને દુખદ સમાચાર સામે આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા અને સલાયા પંથક સાથે જોડાયેલા ભારતીય સેલિંગ વેસલ 'MSV અલ જુસુફી' પર ઓમાનના દરિયામાં ભીષણ હુમલો થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ જહાજ ગત 31 ઓક્ટોબરે યુએઈના હમરિયા પોર્ટથી પોરબંદર જવા માટે રવાના થયું હતું. દરમિયાન ૨ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ સાંજે આશરે 4 વાગ્યે ઓમાનના લિમા પોર્ટ નજીક આ જહાજ પર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા રોકેટ અથવા ડ્રોન વડે હવાઈ હુમલો કરવામાં આવ્યો હોવાની પ્રબળ આશંકા છે. આ ખતરનાક હુમલાના કારણે જહાજમાં તુરંત જ ભીષણ આગ ફાટી નીકળી હતી.
જહાજમાં ટંડેલ સહિત 14 ભારતીય ખલાસીઓ હતા સવાર
આ હુમલા સમયે જહાજમાં ટંડેલ સહિત કુલ 14 ભારતીય ખલાસીઓ સવાર હતા. અચાનક થયેલા આ હુમલા અને આગઝરીના કારણે જહાજમાં નાસભાગ મચી ગઈ હતી. આ ગોઝારી ઘટનામાં 1 ખલાસીનું કરુણ મૃત્યુ નીપજ્યું હોવાના દુખદ અહેવાલ પ્રાપ્ત થયા છે, જ્યારે સદનસીબે અન્ય 13 ભારતીય ખલાસીઓ સુરક્ષિત હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ ઘટનાના પગલે સલાયા અને ખંભાળિયા સહિત સમગ્ર ગુજરાતના ખલાસી પરિવારજનોમાં શોક અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
