ઈરાન-ઈઝરાયલ યુદ્ધના વધતા તણાવ વચ્ચે તેની અસર હવે ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્ર પર પણ જોવા મળી રહી છે. રાજ્યમાં ઉદ્યોગોમાં વપરાતા ગેસના પુરવઠાને લઈને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ ઔદ્યોગિક ક્ષેત્રે વપરાતા ગેસના ઉપયોગ પર 50 ટકા સુધી મર્યાદા નક્કી કરવામાં આવી છે. સરકાર દ્વારા ઉદ્યોગોને સૂચના આપવામાં આવી છે કે તેઓ ગેસનો વપરાશ નિર્ધારિત 50 ટકાની મર્યાદામાં જ કરે.

તમામ ઉદ્યોગોને સરકારે મૌખિક સુચના આપી

યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગેસ પુરવઠા પર દબાણ વધવાની શક્યતા છે, જેથી ભવિષ્યમાં તંગી ન સર્જાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા તમામ ઉદ્યોગોને આ અંગે મૌખિક સૂચના આપવામાં આવી છે. ઉદ્યોગોને ગેસનો વપરાશ સંયમપૂર્વક કરવાની તેમજ જરૂરી આયોજન કરવાની સલાહ આપવામાં આવી છે. મુખ્ય હેતુ એ છે કે ગેસની અછત વચ્ચે પણ ઔદ્યોગિક ઉત્પાદન સંપૂર્ણપણે બંધ ન થાય અને ઉત્પાદન પ્રક્રિયા ચાલુ રહી શકે.

યુદ્ધ પૂરું થવાની અનિશ્વિતતા વચ્ચે સરકારનો નિર્ણય

આ નિર્ણયનો અસર કેટલાક અન્ય સેક્ટર પર પણ પડી રહ્યો છે. ખાસ કરીને ડેરી ઉદ્યોગમાં પણ ગેસના જથ્થામાં ઘટાડો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. દૂધ પ્રોસેસિંગ અને અન્ય કામગીરી માટે વપરાતા ગેસના પુરવઠામાં કાપ મૂકાતા ઉદ્યોગોને નવા આયોજન સાથે કામ કરવું પડશે. યુદ્ધ ક્યારે પૂરું થશે તેની અનિશ્ચિતતા વચ્ચે સરકાર દ્વારા આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે. ગેસના મર્યાદિત ઉપયોગથી પુરવઠાનું સંતુલન જળવાઈ રહે અને ઉદ્યોગો પર લાંબા ગાળાની અસર ન પડે તે માટે સરકાર સતત સ્થિતિ પર નજર રાખી રહી છે. આ વચ્ચે ઉદ્યોગકારો પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વૈકલ્પિક ઊર્જા સ્ત્રોતો અને સંયમિત વપરાશ તરફ આગળ વધી રહ્યા છે.

આ પણ વાંચો : Rajkotના જસદણમાં ધોળા દિવસે બાઈકની ચોરી, તસ્કરની કરતૂત CCTV કેમેરામાં કેદ