માનવ જીંદગીની ખુંવારી ન થાય અને લોકોની માલ મિલકતને નુકસાન ન થાય તે માટે તકેદારીના પગલાંરૂપે તમામ બેંકીંગ સંસ્થાઓ, સોના-ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાત વેચનાર તથા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ, થિયેટર, શોપીંગ સેન્ટરો, કોમર્શીયલ સેન્ટરો, હોટલ/ગેસ્ટ હાઉસ/લોજીંગ –બોર્ડિંગ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્રામગૃહ, બહુમાળી બિલ્ડીંગો તેમજ જ્યાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જતા હોય તેવા સ્કુલ/કોલેજો અને ટ્યુશન ક્લાસિસો, મોટા ધાર્મિક સ્થળો વગેરે જગ્યાઓ ઉપર પુરતા પ્રમાણમાં CCTV કેમેરા લગાડવા તથા લોકોનું ચેકિંગ કરવાની જરૂરીયાત જણાતાં બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે પોતાને મળેલી સત્તાની રૂએ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે.


સીસીટીવી કેમેરા લગાવવા જરૂરી

સી.સી.ટી.વી. કેમેરા કેવી રીતે ગોઠવવા તથા સુચનાઓની અમલવારી માટે ઉક્ત જાહેરનામામાં દર્શાવ્યા મુજબ કોઇપણ જગ્‍યાની અંદરના ભાગ, સંપુર્ણ કવરેજ સતત થાય તે રીતે ગોઠવવા. દરેક જગ્‍યાની અંદરના/બહારના ભાગે, બેઝમેન્ટ/ભુતલ પાર્કિંગ એરીયા તથા પ્રવેશતા અને બહાર નિકળતા તમામ માણસો અને વાહનોની અવર-જવરને સ્‍પષ્‍ટ રીતે જોઇ શકાય તે રીતે કેમેરા ગોઠવવા. બિલ્‍ડીંગના બહારના ભાગે પી.ટી.ઝેડ ૨-મેગા પિક્સલ (IP) કેમેરા ગોઠવવા. શોપિંગ કોમ્પલેક્ષને મોલના માલીક/સંચાલકોએ તેની તમામ બાજુએ આવેલા સામેના જાહેર રોડ પરથી અવર જવરનું રેકોર્ડિંગ થઇ શકે તે પ્રમાણેના ૨-મેગા પિક્સલ (IP) CCTV કેમેરા લગાડવાના રહેશે.

પિક્સલ (IP) CCTV કેમેરા લગાડવા

મોબાઇલના તમામ ટાવરો પાસે બિલ્ડિંગના ટેરેસ ઉપર ૨-મેગા પિક્સલ (IP) CCTV કેમેરા લગાડવો. તમામ પાર્કિંગની જગ્‍યામાં સંપૂર્ણ જગ્‍યાનું કવરેજ થાય તે રીતે ગોઠવવા. રિસેપ્શન કાઉન્ટર, લોબી બેઝમેન્ટ તથા જાહેર પ્રજા માટે જ્યાં પ્રવેશ હોય ત્‍યાં તમામ જગ્‍યાઓનું સંપુર્ણ કવરેજ થાય તે રીતે કેમરા ગોઠવવા, મોલના એન્‍ટ્રીગેટના વિસ્‍તારમાં તેમજ EXIT ગેટ અને પાછળના વિસ્‍તારમાં પણ દરેક ગેટ પર ૨-મેગા પિક્સલ (IP) CCTV કેમેરા સહીતની યોગ્‍ય સુરક્ષા વ્‍યવસ્‍થા ઉભી કરવાની રહેશે. મોલની અંદર દાખલ થતા વાહનો (મોટર સાયકલ/ફોર વ્‍હીલર) વગેરેનું ચેકીંગ કરવામાં આવે. પરંતુ આ પ્રકારના વાહનોની અંદર બેસેલ વ્‍યક્તિઓનું ચેકીંગ પણ સંપુર્ણપણે કરાવવું જરૂરી છે. તેમજ જ્યાં મોટા પ્રમાણમાં વિધાર્થીનીઓ અભ્યાસ અર્થે જતા હોય તેવા સ્કુલ/કોલેજો અને ટયુશન ક્લાસિસો ખાતે સંસ્થાની અંદરની ભાગે તથા એન્ટ્રી ગેઇટ પર રોડને આવરી લે તે રીતે CCTV કેમેરા લગાવાના રહેશે.

મોલમાં મોલ માલીકના ખર્ચે ખાનગી સીક્યુરીટી રાખવી અનિવાર્ય રહેશે

સિકયુરીટી પોતે પણ સિકયુરીટી ચેકના નિયમોથી માહીતગાર હોવા જોઇએ. આ અંગે તાલીમબધ્ધ થયેલ હોવા જોઇએ. મોલની સુરક્ષા ર૪X૭ કલાક જાળવવામાં આવેતે જોવાનું રહેશે. મોલની મુલાકાત લેતી તમામ વ્‍યક્તિઓના લગેજ ચેકીંગની જવાબદારી સંપુર્ણ પણે મોલના માલીકોની રહેશે. મોલમાં સ્‍ફોટક પદાર્થો ન આવે તે અંગેની વ્‍યવસ્‍થા કરવાની રહેશે તેમજ મોલના ચેકીંગ સલામતી વ્‍યવસ્‍થા સ્‍નીફર ડોગ મારફત ઉભી કરવાની રહેશે.

નાઈટ વિઝન સીસીટીવી કેમેરા જરૂરી

રાત્રીના સમયે પણ સી.સી.ટીવી. કેમેરાનું રેકોર્ડીંગ સ્‍પષ્‍ટ રીતે દેખી શકાય તે રીતેના નાઇટ વિઝન અથવા આઇ.આર.હાઇડેફિનેશન કેમેરા લગાવવાના રહેશે અને જરૂરી પ્રકાશની વ્યવસ્થા કરવાની રહેશે. સી.સી.ટીવી. કેમેરાનું આઉટપુટ ડીસ્પ્લે (મોનીટર) અને ડી.વી.આર જ્યારે પણ અધિકૃત અધિકારી ચેક કરવા માંગતા હોય ત્યારે તે સરળતાથી જોઇ શકે તે માટે જાણકાર ટેક્નીશીયન સ્થળ ઉપર અથવા ટેલિફોન સંપર્ક ઉપર હાજર મળે તે રીતેની વ્યવસ્થા રાખવાની રહેશે. આ જાહેરનામું તા. ૨૨-૦૩-૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

  • Follow us on: