બોટાદ જિલ્લા તેમજ બહારના જિલ્લા અને રાજ્યોમાંથી આવતા લોકો હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળામાં વગેરે જગ્યાઓનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહીતગાર થઈને લુંટ/ચોરી/ધાડ/ત્રાસવાદી જેવી પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે. જેથી હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળામાં આશરો આપતા માલિકો/મેનેજરો ઉપર કેટલાંક નિયત્રંણો મુકવા, દેશની સુરક્ષાના પરીપ્રેક્ષ્યમાં જરૂરી જણાતા બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે તેમને મળેલી સત્તાની રૂએ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે.
પથિક સોફટવેરમાં પણ માહિતી રાખો
આ જાહેરનામામાં જણાવ્યા મુજબ બોટાદ જિલ્લાના હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળાના તમામ માલિકોએ તેમના હોટલ/ગેસ્ટ હાઉસ/ ધર્મશાળામાં કોઈપણ વ્યક્તિને હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળામાં રહેવા માટે રૂમ અથવા આશરો આપે ત્યારે માલીકે તેવા વ્યક્તિઓનું ID પ્રુફ અને પુરૂં નામ, સરનામું મેળવી તેમના રજીસ્ટરમાં નોંધ કરવાની સાથે સાથે રીસેપ્શન કાઉન્ટર ઉપર ઈન્ટરનેટ કનેક્ટિવીટી સાથેનું એક કોમ્પ્યુટર રાખવું તેમાં ગુજરાત પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ PATHIK (ProgrameFor Analysis Of Traveller & Hotel Informatiks) ઈન્સ્ટોલ કરાવી રજીસ્ટરમાં થતી એન્ટ્રી આ PATHIK સોફ્ટવેરમાં પણ કરવાની રહેશે જેથી પોલીસને જરૂર પડે તપાસમાં મદદરૂપ થઈ શકે.
રજીસ્ટર રાખવું પડશે
ઉક્ત જણાવેલ તમામ વિગતો મુજબ બોટાદ શહેર તથા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ જાહેર સુરક્ષા અને સલામતી માટે ઉક્ત ગુન્હાઓ બનતા અટકાવવા અને જો બનાવ બને તો તે બનાવને અંજામ આપનાર ઇસમ સુધી પહોંચવા માટે અને તેની ઓળખ મેળવવાની આવશ્યકતાને ધ્યાને લઇને બોટાદ શહેર તથા જિલ્લાના મોબાઇલ-સીમકાર્ડ(નવા/જુના)નું વેચાણ કરનાર વિક્રેતાઓ, સાયકલ/મોપેડ/વિદ્યુતથી ચાલતા વાહનો તથા જુના વાહનો (તમામ પ્રકારના ફોર વ્હીલર, થ્રી વ્હીલર, ટુ વ્હીલર)ના વેપારીઓ, સમગ્ર બોટાદ જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ શહેરી વિસ્તારો, ઔદ્યોગિક વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોઇ પણ મકાન માલીક અગર તો આ માટે આવા મકાન માલીકે ખાસ સત્તા આપેલ વ્યક્તિઓએ, બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં હોટલ/ગેસ્ટહાઉસ/મુસાફરખાના,રાહતદરે ચાલતી કે સખાવતથી ચાલતી, તમામ સહકારી, ધાર્મિક કે ટ્રસ્ટના અને ખાનગી વ્યવસાયો/સંસ્થાઓના માલીકોએ ઉપર દર્શાવ્યા મુજબના કોલમવાઇઝ રજીસ્ટર નિભાવવાનું રહેશે.
જાહેરનામાનો નહી કરાય ભંગ
તેવી જ રીતે, હોટલ/ગેસ્ટહાઉસ/મુસાફરખાના,રાહતદરે ચાલતી કે સખાવતથી ચાલતી, તમામ સહકારી, ધાર્મિક કે ટ્રસ્ટના અને ખાનગી વ્યવસાયો/સંસ્થાઓમાં સી.સી.ટી.વી. કેમેરા, આઇ.પી. કેમેરા નાઇટ વિઝન સાથે લગાડવાના રહેશે, તેની ફરજીયાત જાળવણી કરવાની રહેશે. તેમજ માંગણી થયેથી પોલીસ અધિક્ષક, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ, એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ કે તેમના તાબાના અધિકારીને ઉપલબ્ધ કરાવવાની રહેશે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવ્યાં છે. આ જાહેરનામું તા.૨૩-૫-૨૫થી તા.૨૧-0૭-૨૦૨૫ (બંને દિવસો સુદ્ધા) દિન ૬૦ સુધી અમલમાં રહેશે.આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.