મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’. તેમણે એક સ્વચ્છ ભારતનું નિર્માણ કરવાનું સ્વપ્ન સેવ્યું હતું, અને તેમના આ જ સ્વપ્નને સાકાર કરવા તેમજ જનભાગીદારી સાથે એક સાફ-સુથરા ભારતનું નિર્માણ કરવાના ઉદ્દેશથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 ઓક્ટોબર, 2014ના રોજ ગાંધીજયંતી નિમિત્તે સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી. આ રાષ્ટ્રવ્યાપી મિશન આજે જન આંદોલન બની ગયું છે, ત્યારે ગુજરાત પણ સ્વચ્છ ગુજરાત થકી સ્વચ્છ ભારતના નિર્માણમાં પોતાનું સક્રિય યોગદાન આપી રહ્યું છે.


વિવિધ ધાર્મિક સ્થળોએ સફાઈલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું

તાજેતરમાં જ, ‘ગુજરાત સ્થાપના દિવસ’ નિમિત્તે એટલે કે 1 મે, 2025ના રોજ ‘આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025’ની ઉજવણીરૂપે રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળોએ ભારત સરકારના ‘સ્વચ્છતા મેં સહકાર’ વિઝનને સાકાર કરતું વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. ગુજરાતના સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્યના સહકાર વિભાગ અને સહકારી સંસ્થાઓ દ્વારા વિવિધ ધાર્મિક સ્થળોએ સફાઈલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2025ને યુનાઇટેડ નેશન્સ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ’ જાહેર કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025 માટેની થીમ છે, ‘કોઓપરેટિવ્સ બિલ્ડ અ બેટર વર્લ્ડ’ એટલે કે સહકારિતા એક સારા વિશ્વનું નિર્માણ કરે છે. આ થીમ, સામાજિક-આર્થિક વિકાસ, ગરીબી ઘટાડા અને રોજગાર નિર્માણમાં સહકારી સંસ્થાઓના નોંધપાત્ર યોગદાનને દર્શાવે છે.

‘સ્વચ્છતા મેં સહકાર’ અભિયાન હેઠળ 25,000 ધાર્મિક સ્થળોએ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન

રાજ્યવ્યાપી ‘સ્વચ્છતા મેં સહકાર’ અભિયાન હેઠળ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યના 252 તાલુકાઓના 13,000 ગામડાઓમાં આવેલા 25,000 ધાર્મિક સ્થળોએ વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાઓના શિક્ષકો, આચાર્યશ્રીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સરપંચ અને ઉપસરપંચો તેમજ અન્ય સભ્યો સહિત 1,50,000 ગ્રામ્યજનોએ સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત, આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવા માટે 15,000 જેટલી સહકારી સંસ્થાઓ આગળ આવી અને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ટ્રેક્ટર, પાવડો, સાવરણો, ડોલ, કચરાપેટી, સૂપડા સહિત 5 લાખ સફાઈ સંસાધનોનો ઉપયોગ કરીને 50,000 કિલોગ્રામ કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો.

સહકારના માધ્યમથી સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવાનો સંકલ્પ

સહકાર ક્ષેત્રે એકતાના સંદેશ સાથે લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ અને ધર્મિક સ્થળોની પવિત્રતા જાળવવાની ભાવના ઉત્પન્ન કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધાર્મિક આગેવાનો, સ્થાનિક પ્રતિનિધિઓ અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સહકારના માધ્યમથી સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવાનો સંકલ્પ લીધો. આ ભવ્ય અભિયાનમાં રાજ્યના સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર શ્રી નીલેશ ઉપાધ્યાય, તમામ જિલ્લા રજિસ્ટ્રારો, સહકારી સંસ્થાઓ (જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાની), સહકારી આગેવાનો, હિતધારકો તેમજ ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (અમૂલ), ગુજરાત રાજ્ય સહકારી બેંક, ગુજરાત રાજ્ય સહકારી સંઘ, દૂધ સંઘો, દૂધ મંડળીઓ અને પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓના સભ્યો તથા કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

લોકોને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો

વધુમાં, આ સમગ્ર સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા માટે સાંસદ (રાજ્યસભા) નરહરિ અમીન તેમજ ધારાસભ્યો, કોર્પોરેટરો, અન્ય ઉચ્ચ પદાધિકારીઓ ઉપરાંત, 3000થી વધુ સહકારી અગ્રણીઓ અને આશરે 200થી વધુ એપીએમસીના ચેરમેન અને અન્ય આગેવાનો પણ આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. આમ, ‘સ્વચ્છતા મેં સહકાર’ અભિયાન હેઠળ રાજ્યમાં વિવિધ ધાર્મિક સ્થળોએ સફાઈકાર્યો કરવામાં આવ્યા. ગ્રામ્ય અને શહેરી સહકારી સંસ્થાઓના સભ્યો, યુવાનો અને મહિલાઓએ સક્રિય ભાગ લઇને આ સામૂહિક સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો. સ્વચ્છતાના કાર્યક્રમ થકી ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી અને લોકોને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો. 

  • Follow us on: