ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની વિકાસ યાત્રાને વેગવંતી બનાવવા રાજ્યમાં સુશાસનિક માળખાનો મજબૂત પાયો નાખ્યો હતો. ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે કૃષિ મહોત્સવ, સોઈલ હેલ્થ કાર્ડ, યાંત્રિકીકરણને પ્રોત્સાહન, સરળ ધિરાણ જેવા વિવિધ સહાય પ્રકલ્પોની શરૂઆત કરાવી હતી. આજે એ જ કાર્યપ્રણાલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મક્કમતાથી આગળ ધપાવી રહ્યા છે.


૧૦% થી વધુ કૃષિ વિકાસ દર હાંસલ કર્યો

છેવાડાના લોકો સુધી જનકલ્યાણકારી યોજનાઓના લાભો પહોંચાડવા સરકાર પ્રતિબદ્ધ છે. ત્યારે રાજયના ગ્રામીણ વિસ્તારના નાગરિકોને લઘુતમ પ્રયત્નોથી સરકારની સેવા અને યોજનાકીય લાભો મહત્તમ રીતે મળી રહે એ દિશામાં સુચારૂ પ્રયાસો થઈ રહ્યા છે. રાજ્યએ છેલ્લા દાયકામાં સરેરાશ ૧૦% થી વધુ કૃષિ વિકાસ દર હાંસલ કર્યો છે. દેશમાં સૌપ્રથમવાર રાજ્યએ કૃષિ મહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવતર કાર્યક્રમો રજૂ કર્યા છે. ગુજરાત કૃષિ ક્ષેત્રે દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોને પારદર્શી, ઝડપી અને સરળ સેવા પૂરી પાડવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખેતીવાડી, બાગાયત, પશુપાલન અને મત્સ્યોદ્યોગને સંલગ્ન વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળી રહે તે માટે આઈ-ખેડૂત https://ikhedut.gujarat.gov.in પોર્ટલ ખેડૂતો માટે વન સ્ટોપ સ્ટેશન બન્યું છે.

ચાલુ વર્ષથી આ પોર્ટલને નવીન 'આઈ-ખેડુત પોર્ટલ ૨.૦' તરીકે વિકસાવવામાં આવ્યું

ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪માં શરૂ થયેલું ‘આઈ-ખેડૂત પોર્ટલ’ સુદ્રઢ સુશાસનિક વ્યવસ્થાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ટેકનોલોજીના કાર્યક્ષમ ઉપયોગથી ખેડૂતોને સંપૂર્ણ પારદર્શિતા, સરળતા અને ઝડપથી વિવિધ કૃષિલક્ષી યોજનાના લાભ મળી રહે તે માટે રાજ્ય સરકારે આઈ-ખેડૂત પોર્ટલનો નવતર અભિગમ અપનાવ્યો છે. જેમાં તાજેતરમાં જ ‘આઈ – ખેડૂત પોર્ટલ ૨.૦’ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષથી આ પોર્ટલને નવીન 'આઈ-ખેડુત પોર્ટલ ૨.૦' તરીકે વિકસાવવામાં આવ્યું છે. આજે ગુજરાત સરકારની કૃષિ, બાગાયત, પશુપાલન અને મત્સ્યપાલન સંબંધિત તમામ યોજનાઓનો અમલ અને સહાય ચૂકવણું આઈ-ખેડૂત પોર્ટલના માધ્યમથી થઈ રહ્યુ છે. પરિણામે ખેડૂતોને અનેક કૃષિલક્ષી યોજનાઓના લાભ ઘરે બેઠા, આંગળીના ટેરવે જ મળી રહ્યા છે.

આઈ -ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ મુખ્ય સેવાઓ:-

•યોજનાકીય લાભો માટે ઓનલાઈન અરજી

•ડીલર પાસે ઉપલબ્ધ કૃષિ વિષયક સાધન સામગ્રી, કૃષિ ધિરાણ આપનાર બેંક/ સંસ્થાની માહિતી

•અદ્યતન કૃષિ અને સંલગ્ન વિષયક તાંત્રિક માહિતી

•કૃષિ પેદાશોના વિવિધ APMCના બજાર ભાવ

•હવામાનની વિગતો

•ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ

આઈ-ખેડૂત પોર્ટલ દ્વારા ખેડૂતોને થતા લાભ:-

•ખેડૂત પારદર્શક રીતે પોતાની મરજી મુજબ યોજનાઓનો સીધો લાભ મેળવી શકે છે. ઓનલાઈન અરજી થતી હોવાથી ખેડૂતોએ અન્ય માધ્યમો ઉપર આધારીત રહેવું પડતું નથી.

•કોઈપણ સ્થળેથી ઈન્ટરનેટના માધ્યમથી સેવા મળતી હોવાથી સમય અને નાણાંનો બચાવ થાય છે. ખેડૂત પોતાની અરજીનું ઓનલાઈન સ્ટેટસ પણ જાણી શકે છે.

•સહાય હેઠળ આપવામાં આવતાં વિવિધ ઘટકોનાં માપદંડો નિયત કરેલા હોવાથી છેતરપીંડીનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.

•આઈ-ખેડૂત પોર્ટલ પર જરૂરી બિયારણ, ખાતર તથા દવાઓનું વેચાણ કરતા સરકાર માન્ય વિક્રેતાઓની માહિતી પણ મળી રહે છે.

•ખેત ઓજારો, ખેતી વિષયક ઈનપુટોની માન્ય કંપનીઓ, વિક્રેતાઓની માહિતી, ખેત ઓજારો તેમજ કૃષિ ઈનપુટોની સરકાર દ્વારા નક્કી થયેલી કિંમત સંબંધિત માહિતી, કૃષિ ધિરાણ આપનાર સંસ્થાઓની માહિતી મળી રહે છે.

•કૃષિ-બાગાયતી પાકોની તાંત્રિક માહિતી. પાકોનાં પ્રવર્તમાન બજારભાવ તથા હવામાન અંગેની માહિતી પણ મળે છે. ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોનું સચોટ નિરાકરણ મળે છે.

•પોર્ટલમાં કૃષિ ધિરાણ સાથે જોડાયેલી વિવિધ સંસ્થા જેમ કે બેંક અને સહકારી મંડળીઓનાં નામ અને સરનામા સહિત વિગતો આપવામાં આવી છે.

•રાજ્યમાં એગ્રો - ક્લાઈમેટિક ઝોનવાર પાક પદ્ધતિ, મુખ્ય પાકોની આધુનિક ખેત પદ્ધતિ, પાકોમાં રોગ-જીવાત અને તેના નિયંત્રણ સહિતની વિવિધ વિગતો પોર્ટલમાં ઉપલબ્ધ છે.

•પશુઓમાં થતા મુખ્ય રોગો, રોગ નિયંત્રણ માટેના ઉપાયો સહિત કૃષિ અને સંલગ્ન શિક્ષણ વગેરેની અદ્યતન માહિતી ફક્ત એક ક્લિક દ્વારા મેળવી શકાય છે.

•પાકની કઈ જાત સૌથી વધુ ઉત્પાદન આપે છે, વાવણીનો યોગ્ય સમય ક્યો, પિયત કેટલું આપવું, રોગ જીવાતનો ઉપદ્રવ વધ્યો છે તો શું કરવું, દુધાળાં ઢોર ઓછું દૂધ આપે છે શું કરવું જેવા અનેક મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ ઉપલબ્ધ છે.

યોજનાનો લાભ લેવા કઈ રીતે અરજી કરશો ?

Ikhedut 2.0 હેઠળ લાભ મેળવવા માટે બધા લાભાર્થીઓ માટે નોંધણી (રજીસ્ટ્રેશન) ફરજિયાત છે. હાલ ખેતી અને બાગાયત વિભાગની જુદીજુદી યોજનાઓના લાભો માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. ત્યારે સૌપ્રથમ ખેડૂતોએ પોતાની નોંધણી કરાવવાની રહેશે. યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતોએ ઓફીશીયલ પોર્ટલમાં 'યોજનાઓ' મેનુ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ખેતીવાડી, પશુપાલન, બાગાયત, મત્સ્યપાલનની યોજનાઓનો ઓપ્શન આવશે. અરજદાર જે વિભાગની યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય તેમાં ક્લિક કરશે. ત્યારબાદ ચાલુ યોજનાઓ(ઘટક)નું લિસ્ટ ખુલશે, તેમાં અરજી ઓપ્શન ઉપર ક્લિક કરી જરૂરી વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ "અરજી સેવ કરો" પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મળેલ અરજી નંબર સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવો. આઈ-ખેડૂત પોર્ટલમાં જે તે યોજના માટે ઓનલાઈન અરજી કરી હોય તે અરજીની પ્રિન્ટઆઉટ કઢાવી ખેડૂતે અરજીફોર્મ પર સહી/અંગુઠો કરી સંબધિત ખાતાની કચેરીમાં રજૂ કરવાની રહે છે. એકવાર રજિસ્ટ્રેશન થયા બાદ પુન: અરજી કરતી વખતે તેની તમામ વિગતો અરજીમાં આપોઆપ જોવા મળે છે.

આઈ-ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી શકાય છે

આઈ-ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતોને ઉપયોગી વિવિધ સંસ્થાઓ, વિભાગ, કચેરીની વેબસાઈટ લિંક આપવામાં આવી છે, જેના દ્વારા ખેડૂતો, પશુપાલકો, સાગરખેડૂતોને એક જ પ્લેટફોર્મ પરથી માહિતી મળી રહે છે. આઈ-ખેડૂત પોર્ટલ કૃષિ અને સહકાર વિભાગ, ખેતી નિયામકશ્રીની કચેરી, બાગાયત નિયામકશ્રીની કચેરી, પશુપાલન નિયામકશ્રીની કચેરી, મત્સ્યોદ્યોગ કમિશનર, રાજ્ય બીજ નિગમ, ગુજરાત એગ્રો ઇંડસ્ટ્રીઝ કોર્પોરેશન, રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ, આત્મા વગેરેની લીંક આપવામાં આવી છે. આ ઉપરાંત ખાતર, બિયારણ તથા પેસ્ટીસાઈડ વેચાણ અંગેનું લાઈસન્સ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી શકાય છે. તેમજ પ્રાકૃતિક કૃષિ અભિયાન, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની યાદી પણ મળી રહે છે.

  • Follow us on: