• આંગણવાડી કેન્દ્રના સ્લેબના પોપડા ખરી રહ્યા છે તો દીવાલો પણ તિરાડોથી ભરાઈ ગઈ

  • તંત્ર આ આંગણવાડી કેન્દ્રોનો નવીનીકરણ કે રીનોવેશન કરવાનું નામ નથી લેતું
  • ભયના ઓથાર હેઠળ ધકેલાયેલા વાલીઓ હવે પોતાના બાળકોને આંગણવાડી કેન્દ્રોમાં મોકલવા તૈયાર નથી

"આંગણવાડી મેં જાયેંગે ભર પેટ હમ ખાયેંગે " ગ્રામ્ય વિસ્તારોમાં દીવાલો પર કંડારાયેલા આ વાક્યો તો તમે વાંચ્યા હશે. જો કે સરકારનો હેતુ પણ સારો કે નાના ભૂલકાઓ આંગણવાડી કેન્દ્રોમાં પહોંચે અને પોષણક્ષમ આહાર આરોગી શારીરિક ઘડતર સુધારી શકે. જોકે સરકારના આ પ્રયાસો થકી બનાસકાંઠા જિલ્લાના ગામડે ગામડે આંગણવાડી કેન્દ્રોમાં બાળકો પહોંચતા થયા છે, પરંતુ વર્ષોથી કાર્યરત આંગણવાડી કેન્દ્રો હવે અતિ જર્જરીત થયા છે.

આંગણવાડી કેન્દ્ર કોઈપણ સમયે મોટી જાનહાની સર્જે તો નવાઈ નહીં

ત્યારે આ કેન્દ્રો જર્જરીત થયેલી હાલતમાં છે તેમ છતાં તંત્ર આ આંગણવાડી કેન્દ્રોનો નવીનીકરણ કે રીનોવેશન કરવાનું નામ નથી લેતું અને તેને જ કારણે આ આંગણવાડી કેન્દ્ર કોઈપણ સમયે મોટી જાનહાની સર્જે તો નવાઈ નહીં. ત્યારે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના ભાગળ ગામે આવેલા વણકરવાસ અને ઠાકોર વાસના આંગણવાડી કેન્દ્રો છેલ્લા ચાર પાંચ વર્ષથી અતિ જર્જરિત બન્યા છે. આંગણવાડી કેન્દ્રના સ્લેબના પોપડા ખરી રહ્યા છે તો દીવાલો પણ તિરાડોથી ભરાઈ ગઈ છે અને ગમે તે સમયે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં છે, પરંતુ તંત્ર બાળકોની પરવા કર્યા વિના જ આ જ સ્થિતિમાં રાખતા સરકારના બાળકોને આંગણવાડી કેન્દ્રો તરફ વાળવાના સપનાઓ પર પાણી ફરી રહ્યું છે.

આંગણવાડી કેન્દ્રનું રીનોવેશન કે નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ

એક તરફ સરકાર બાળકોને આંગણવાડી તરફ પ્રેરવા અનેક પ્રયાસો કરી રહી છે. લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, પરંતુ બીજી તરફ જર્જરીત આંગણવાડી કેન્દ્ર બનવા છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતની નક્કર કામગીરી ન કરાતા ભયના ઓથાર હેઠળ ધકેલાયેલા વાલીઓ હવે પોતાના બાળકોને આંગણવાડી કેન્દ્રોમાં મોકલવા તૈયાર નથી અને તેને જ કારણે ભાગળ ગામે આવેલા આંગણવાડી કેન્દ્રોમાં બાળકોની સંખ્યા ઘટી છે. જોકે બાળકોના વાલીઓની એક જ માગ છે કે વહેલી તકે તંત્ર જાગે અને કોઈ પણ મોટી જાનહાની સર્જાય તે પહેલા તંત્ર દ્વારા આંગણવાડી કેન્દ્રનું રીનોવેશન કે નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં આવેલી 500થી વધુ આંગણવાડી જર્જરીત હાલતમાં

જોકે અમે તો માત્ર એક આંગણવાડીમાં જ પહોંચ્યા, આ માત્ર એક આંગણવાડીની જ વાત નથી, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં આવેલી 500થી વધુ આંગણવાડી કે જે જર્જરીત થઈ હોવાનું icds વિભાગના ધ્યાને આવ્યું છે. પરંતુ વર્ષોથી આ આંગણવાડીનું કામ થઈ જશે થઈ જશેની વાતો કરાઈ રહી છે, પરંતુ કોઈ પણ જાતની કામગીરી નથી થઈ રહી અને તેને જ કારણે આ આંગણવાડી કેન્દ્રો ગમે તે સમયે કોઈ નાના કોમળ બાળકનો ભોગ લે કે મોટી જાનહાની સર્જે તેવી ભીતિ વાલીઓમાં સેવાઈ રહી છે.

  • Follow us on: