રાજ્ય આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી.રાજ્યમાં 66 નગરપાલિકાની ચૂંટણી યોજાશે. ખાલી પડેલી તાલુકા પંચાયત, નગરપાલિકા બેઠકોની યાદી જાહેર કરવામાં આવી છે. ગાંધીનગર, કપડવંજ તથા કઠલાલમાં તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે.રાજ્યમાં 16 ફેબ્રુઆરીનાં રોજ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરી, 2025નાં રોજ પરિણામ જાહેર થશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકીય પક્ષો સક્રિય થયા. ભાજપ તેમજ કોંગ્રેસ જેવા મહત્વના પક્ષના ઉમેદવાર જીત મેળવવા મેદાને પડ્યા. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે તમામ અટકળોનો અંત આવ્યો છે. જાહેરનામા મુજબ ઉમેદવારે આચારસંહિતાનો અમલ કરવાનો રહેશે.
ગાંધીનગરમાં પંચાયતની ચૂંટણી
ગાંધીનગરમાં તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. અંદાજે 13,91,753ની વસ્તી ધરાવતા વિસ્તારમાં સ્થાનિક રાજ્યની ચૂંટણીની જાહેરાત સાથે ગ્રામ્ય વિસ્તારમાં માહોલ ગરમાયો છે. ગઈકાલે રાજ્ય આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત સાથે ઉમેદવારો પર આચારસંહિતા અમલી થઈ.ગાંધીનગરમાં 2023માં તાલુક પંચાયતની ચૂંટણી મુદત પૂરી થતાં વહીવટદાર શાસન લાગુ થયું હતું. અને એટલે છેલ્લા 2 વર્ષથી ગાંધીનગરમાં વહીવટદારોનું સંચાલન છે. 16મી ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકો પર મતદાન થશે. ઝવેરી પંચના રીપોર્ટ બાદ ઓબીસીની બેઠકોમાં વધારો થયો છે. હાલમાં ઓબીસી બેઠકોની સંખ્યા 2 થી વધીને 8 થઈ છે.
કપડવંજમાં પંચાયતની ચૂંટણી
કપડવંજમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે. જયારે પાલિકાની ખાલી પડેલ બે બેઠકો પેટા ચૂંટણી થશે. રાજ્ય આયોગ દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ નગરપાલિકાની ચૂંટણી સાથે તાલુકા પંચાયત અને પેટા ચૂંટણી પર 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે.અને તમામ બેઠકોના પરિણામ પણ 18 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાશે. 2 માર્ચ, 2023ના રોજ ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકામાં મુદત પૂરી થતા આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે. પાંચમાંથી ત્રણ નગરપાલિકામાં ભાજપનું વર્ચસ્વ રહ્યું. ત્યારે બીજી ટર્મમાં કોંગ્રેસને સફળતા મળી. કપડવંજ નગરપાલિકામાં વોર્ડનં. 2 અને વોર્ડ નં. 6માં પેટા ચૂંટણી યોજાશે.
કઠલાલમાં પંચાયતની ચૂંટણી
કઠલાલ તાલુકો ખેડા જિલ્લામાં આવેલો છે. ચાર વર્ષ પહેલા કઠલાલમાં તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં ભાજપ પક્ષની જીત થઈ હતી. કઠલાલ તાલુકાની વસ્તી અંદાજે 2,08,626 હોવાનું માનવામાં આવે છે. ચાર વર્ષ પહેલા કઠલાલ તાલુકામાં 10 બેઠકો પરની પેટા ચૂંટણીમાં ભાજપ બિનહરીક વિજેતા થયો હતો. ત્યારે આ વખતે કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં સારો દેખાવ કરતાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા જોવા મળશે. નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે. ત્યારે ખેડા જિલ્લા પંચાયત હસ્તકના એટલે કે નડિયાદ તાલુકાના કેટલાક ગામોનો નડિયાદ મનપામાં સમાવેશ કરાયો છે. જેથી ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે.