ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ ધીરે ધીરે ખૂલી રહ્યું છે. 1 મનપા અને 66 નગરપાલિકાનું રિઝલ્ટ લગભગ આવી ગયું છે. જેમાં ગુજરાતની 34 નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થઈ છે. કુલ 1677 બેઠકોમાંથી 1001 બેઠકો પર ભગવો લહેરાયો છે. તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થયા છે. આ વચ્ચે કેટલીક બેઠકોના પરિણામોએ ગુજરાતને ચોંકાવ્યા છે. સૌરાષ્ટ્રમાં પાલિકા-પંચાયતોમાં હાલની શું છે સ્થિતિ? તો ચાલો જાણીએ...


સૌરાષ્ટ્રમાં ક્યા ખીલ્યું કમળ...કોંગ્રેસ-અપક્ષની સ્થિતિ?

ગુજરાતની 68 નગરપાલિકા, જુનાગઢ મહાનગર પાલિકા તેમજ ગાંધીનગર, કપડવંજ તથા કઠલાલ તાલુકા પંચાયતની ચૂંટણીઓના આજે પરિણામો આવવાનુ શરૂ થતા પાલિકા - પંચાયતોમાં ભાજપનું રોલર ફર્યું હોય તેવા પ્રારંભિક ટ્રેન્ડ બહાર આવી રહ્યા છે. જુનાગઢ મહાનગરપાલિકામા પણ ભાજપે 9 બેઠકો બિનહરિફ મેળવ્યા બાદ બાકીની મોટાભાગની બેઠકો ઉપર ભાજપ આગળ હોવાથી ફરી ભાજપનું શાસન આવે તેવુ ચિત્ર ઉપસ્યુ છે. જ્યારે કોંગ્રેસ કરૂણ રકાસ ભણી આગળ વધી રહી છે.

આ સિવાય રાજકોટ જિલ્લાની જેતપુર-ધોરાજી-ઉપલેટા-ભાયાવદરમા પણ ભાજપનાં ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. જસદણમાં પણ અમૂક બેઠકો ઉપર કોંગ્રેસ તો મોટાભાગની બેઠકો પર ભાજપ આગળ છે. વોર્ડ નંબર 1માં બે બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. ગુજરાતની 66 નગર પાલિકાની સામાન્ય અને બે પાલિકાની મધ્યસત્ર ચૂંટણીમા પરિણામો દરમિયાન અનેક સ્થળે અપક્ષો પણ લીડ કરી રહ્યા છે તો અમૂક પાલિકામા અપસેટ જોવા મળી રહયા છે. ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમા કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો પરાજય થયો છે.

જયારે જુનાગઢ મહાનગર પાલિકામા પણ ભાજપમા મોટો અપસેટ સર્જાયો છે. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પૂત્ર પાર્થ કોટેચાનો વોર્ડ નંબર 9માં પરાજય થયો છે. આ વોર્ડમાં ભાજપને ત્રણ અને અપક્ષને એક બેઠક મળી છે. અમરેલી જિલ્લામા પણ પાયલ ગોટી પ્રકરણ કોંગ્રેસને ફડયું નથી અને અમરેલી સહિત ચારેય નગરપાલિકાઓમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. અમરેલી ઉપરાંત જાફરાબાદ, લાઠી અને ચલાલામા ભાજપ વિજય ભણી આગળ વધી રહેલ છે.

ભાવનગર જિલ્લામા પણ બોટાદ અને ગઢડા નગરપાલિકામા ભાજપ તરફી ટ્રેન્ડ જોવા મળી રહયો છે. પ્રારંભમા 8 જેટલી બેઠકોના પરીણામો જાહેર થયા છે જે તમામ બેઠકો ભાજપને મળી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં થાન નગરપાલિકામા વોર્ડ નંબર 1માં ભાજપનો વિજય થયાના અહેવાલ મળી રહ્યા છે. આ સિવાય મોરબી જિલ્લામા વાંકાનેર જિલ્લામા પણ 18 બેઠકો પર ભાજપ આગળ હોવાના અહેવાલો છે. હળવદની મોટાભાગની બેઠકો પર ભાજપ વિનમા હોવાનું જાણવા મળેલ છે. જોકે વાંકાનેર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમા કોંગ્રેસનો વિજય થયાનું જાણવા મળી રહ્યું છે. માંગરોળ નગરપાલિકામા બસપાએ ખાતુ ખોલ્યું છે અને વોર્ડ નંબર 1માં બસપાની આખી પેનલ વિજેતા બની છે. જ્યારે કુતિયાણામા ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે જબરી સ્પર્ધા જોવા મળી રહી છે. અહીં બે બેઠક ભાજપે તો બે બેઠક સમાજવાદી પાર્ટીએ જીત્યાના અહેવાલો મળે છે.

જૂનાગઢમાં ભાજપના પાર્થ કોટેચા, ચોરવાડમાં કોંગ્રેસના ચુડાસમા હાર્યા

પાલિકા-પંચાયતોની આજે મતગણતરી દરમિયાન અમુક સ્થળે મોટા અપસેટ જોવા મળ્યા છે. જુનાગઢ મહાનગર પાલિકાની ચુંટણીમાં 9 બેઠક બિન હરીફ મેળવનાર ભાજપના યુવા સુકાની પાર્થ કોટેચા વોર્ડ નંબર 9માં હારી ગયા છે. જ્યારે ચોરવાડ નગરપાલિકામાં વોર્ડ નંબર 3માં ઉમેદવારી નોંધાવનાર કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો પણ પરાજય થતા અહીં મોટો અપસેટ જોવા મળી રહ્યો છે.

આપની એન્ટ્રી: સલાયામાં 12 બેઠક, તાલાલા તાલુકા પંચાયતમાં આપ વિજેતા

દિલ્હીની સતા ગુમાવનાર આમ આદમી પાર્ટીએ ગુજરાતમા પાલિકાની ચૂંટણીમા પગ પેસારો કર્યો છે. સલાયા નગરપાલિકામાં આપના 12 ઉમેદવારો ચૂંટાયા છે. વોર્ડ નં 1 મા આપની આખી પેનલ વિજેતા થઇ છે તો તાલાલા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમા પણ આપના ઉમેદવાર જીત્યા છે.

સૌરાષ્ટ્રમાં ત્રણ નગરપાલિકા છોડીને તમામ પર બીજેપીની જીત 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવી રહ્યાં છે ત્યારે સૌરાષ્ટ્રમાં ત્રણ નગરપાલિકા છોડીને તમામ પર બીજેપીની જીત થઇ છે. જે રીતે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ જીત મેળવી હતી તે જ રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપે ભવ્ય જીત મેળવી છે. તેમજ ત્રણ નગરપાલિકા છોડીને તમામ નગરપાલિકા પર ભાજપે ભગવો લેહરાવ્યો છે.

કુતિયાણા નગરપાલિકામાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે રોચક જંગ

પોરબંદર જિલ્લાના કુતિયાણા નગરપાલિકામાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે રોચક જંગ જામ્યો છે. આ વખતે ચૂંટણીમાં ભાજપને સમાજવાદી પાર્ટીએ જોરદાર ટક્કર આપી છે, આજે થઇ રહેલી મતગણતરીમાં કુતિયાણામાં ટાઇ પડી છે. રાજ્યમાં 68 નગરપાલિકાઓમાંથી 25થી વધુ નગરપાલિકાઓ પર ભાજપે કબજો જમાવી લીધો છે, પરંતુ ધારાસભ્ય કાંધલ જાડેજાના કામકાજથી ભાજપને મુશ્કેલીઓ નડી રહી છે. કુતિયાણામાં બન્ને પક્ષોના ઉમેદવારો 24 બેઠકો પર આમને સામને છે. રાણાવાવ, કુતિયાણા અને સલાયા સિવાય તમામ નગરપાલિકા પર ભાજપે કબજો કરી લીધો છે.

અમરેલી જિલ્લામાં તમામ નગરપાલિકાઓમાં ભાજપનો પ્રચંડ વિજય થયો

અમરેલી જિલ્લામાં તમામ નગરપાલિકાઓમાં ભાજપનો પ્રચંડ વિજય થયો છે. જુનાગઢ મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. તો બીજી તરફ રાજકોટ અને ભાવનગર જિલ્લાની નગરપાલિકામાં પણ ભાજપે બમ્પર જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે ભાવનગર પેટચૂંટણીમાં બીજેપીની જીત થઈ છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં સલાયા સિવાય તમામ જગ્યાએ કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. સલાયા નગરપાલિકા અને તાલુકા પંચાયચતની પેટાચૂંટણીમાં ભાજપના સૂપડા સાફ થયા છે. સલાયામાં ખાતું ખુલે તેવી શક્યતા નહીંવત છે. 28 બેઠકવાળી સલાયામાં 13 પર AAPના ઉમેદવારનો વિજય થયો છે. તો 15 પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે.

રાજ્યની એકમાત્ર નગરપાલિકા જ્યાં ભાજપનું ખાતું ખુલ્યું નથી

રાજ્યની એકમાત્ર નગરપાલિકા જ્યાં ભાજપનું ખાતું ખુલ્યું નથી. નોંધનિય છે કે, સલાયામાં ભાજપે માત્ર 12 ઉમેદવાર ઉભા રાખ્યા હતા. સલાયામાં કોંગ્રેસે વિજય મેળવ્યો છે. રાણાવાવમાં સમાજવાદી પાર્ટીને 16 અને ભાજપને 8 બેઠક મળી છે. કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી ધારાસભ્ય બન્યા છે. આ પહેલા તેઓ એનસીપીમાં હતા.


  • Follow us on: