મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને પંચાયત રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના નેતૃત્વ હેઠળ પંચાયત વિભાગ દ્વારા તમામ જિલ્લાઓ સાથે સતત બેઠકો તેમજ વિડિયો કોન્ફરન્સથી જરૂરી સૂચના આપવામાં આવતી હતી. જેના પરિણામ સ્વરૂપે દેશની અંદાજે 1.94 લાખ ગ્રામ પંચાયતના નોમીનેશન પૈકી ‘નેશનલ પંચાયત એવોર્ડ-2024’માં પંચમહાલ જિલ્લાની ઘોઘંબા તાલુકાની વાવકુલ્લી-2 દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" તરીકે પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ એનાયત કરી પ્રથમ પુરસ્કાર તરીકે રૂ. 1 કરોડની રકમ ગ્રામ પંચાયતને આપવામાં આવી છે.


પ્રથમ પુરસ્કાર માટે રૂ. 1 કરોડ, બીજા પુરસ્કાર માટે રૂ. 75 લાખ

 અત્રે ઉલેખ્ખનીય છે કે, ભારત સરકાર દ્વારા નેશનલ પંચાયત એવોર્ડ 2024-25 અંતર્ગત દીન દયાલ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર આપવામાં આવે છે. આ એવોર્ડમાં કુલ 09 થીમ આધારીત દરેક થીમમાંથી ત્રણ એવોર્ડ આપવામાં આવે છે. જેમાં પ્રથમ પુરસ્કાર માટે રૂ. 1 કરોડ, બીજા પુરસ્કાર માટે રૂ. 75 લાખ અને ત્રીજા પુરસ્કાર માટે રૂ.50 લાખની રકમ એવોર્ડ તરીકે એનાયત કરવામાં આવે છે. દેશની 45 એવોર્ડ વિજેતા પંચાયતોને ડિજિટલ ટ્રાન્સફર દ્વારા કુલ રૂપિયા 46 કરોડની રકમ એનાયત કરવામાં આવી છે. નવી દિલ્લી ખાતે યોજાયેલ આ એવોર્ડ ગુજરાત સરકાર વતી અધિક વિકાસ કમિશનર ગૌરવ દહિયા, અને નેશનલ પંચાયત નોડલ અધિકારી દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો. તેમ વિકાસ કમિશનર કચેરી ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.


  • Follow us on: