રાજ્યનું એકમાત્ર એવું હારીજનું ગોવના ગામ છેે. જ્યાં 20 વર્ષ પૂર્વે વડીલોએ સદંતર ઠંડા પીણા ઉપર પ્રતિબંધ મુકતા સમસ્ત ગામે સ્વીકારી નિયમનું પાલન કરતા ઠંડા પીણા વેચાતા નથી. જેને લઇ આજે 1500ની વસ્તી છતાં નાના બાળકથી લઈને વયવૃદ્ધ ઠંડા પીણા પીતા નથી. ગામ ઠંડા પીણા મુક્ત બનતા બીમારીનું પણ પ્રમાણ ઘડ્યું છે.
ગામના અગ્રણીઓએ લીધો મહત્વનો નિર્ણય
હારીજ તાલુકાના ગોવના ગામે વર્ષ 2004માં ગામના અગ્રણીઓની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઠંડા પીણાંમાં સેકરીન અને કેમિકલ કલર જેવા તત્વો આરોગ્ય માટે હાનિકારક હોવાને કારણે ગામના તમામ દુકાનદારો અને ગ્રામજનોની સર્વસંમતિથી આ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.છેલ્લા 20 વર્ષથી ઠંડા પીણાં, આઈસ્ક્રીમ, બરફગોળા, પેપ્સી, ગુલ્ફી જેવી વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ યથાવત છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં બહારથી આવતા ફેરિયાઓ ગામમાં આવી બરફગોળા, ગુલ્ફી અને આઈસ્ક્રીમ વેચતા. નાના બાળકો બાળહઠ કરીને આવી વસ્તુઓ ના માંગે માટે ફેરિયાને ગામમાં પ્રવેશ આપવામા આવતો નથી.
ગામવાસીઓનું પૂર્ણ સમર્થન
ગામની દરેક દુકાનમાં આવી વસ્તુઓ વેચવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. આજદિન સુધી આ પ્રતિબંધનું ગ્રામજનો ચુસ્ત રીતે પાલન કરી રહ્યા છે. જેને લઇ ગામમાં ઠંડા પીણા જોવા જ મળતા નથી. ગામના દુકાનદાર દિપક ભાઈ ઠક્કરે જણાવ્યું કે ગામનાં સ્વાસ્થ્યના હિતમાં લીધેલા નિર્ણયને દુકાનદારો શિરોમણ્ય ગણીને પાલન કરીએ છીએ અને કોઈ પણ પ્રકારના ઠંડા પીણાં લાવતા નથી અને તેનું વેચાણ પણ કરતા નથી ગામના બાળકો અને ગ્રામજનો સ્વાસ્થ્ય હેતુસર પ્રતિબંધનું પાલન કરવામાં આવે છે. આ નિયમ ભંગ બદલ 1000 રૂપિયા દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે.
20 વર્ષથી ઠંડપીણા પર પ્રતિબંધ
આમતો ઉનાળાની સીઝનમાં અસહ્ય ગરમીથી રાહત મેળવવા નાના બાળકોથી માંડીને વૃદ્ધો લોકો પણ આજકાલ તમામ પ્રકારના ઠંડા પીણાંનું સેવન કરતા હોય છે. પરંતુ ઠંડાપીણાનું સેવન કરવાના કારણે લોકો ગંભીર માંદગીનો શિકાર બનતા હોય છે પરંતુ હારીજ તાલુકાના નાના એવા ગોવના ગામમાં છેલ્લા 20 વર્ષથી ઠંડપીણાનું સેવન કરવાથી નાના થી માંડીને વૃ્ધો સુધી કોઈ માંદગીનો શિકાર ના બને તે માટે ગામમાં ઠંડાપીણાં પર લગાવવામાં આવેલ પ્રતિબંધ નો નિર્ણય ખરેખર સ્વાસ્થ્ય પ્રત્યેની સભાનતા દર્શાવે છે.