પાટણની HNGUના MSC સેમેસ્ટર 4નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. MSC સેમેસ્ટર 4ના મેથ્સ અને કેમેસ્ટ્રી વિભાગના પરિણામ જાહેર કર્યા છે. આ સાથે જ વિદ્યા સહાયકનું પરિણામ પણ HNGUએ જાહેર કર્યુ છે. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ છેલ્લા 10 દિવસથી પાટણ યુનિવર્સિટી ખાતે અનેકવાર રજુઆત કરી હતી. વિદ્યા સહાયકની 5 વર્ષે આવેલી ભરતીમાં જરૂરી પરિણામ HNGU તરફથી આપવામાં આવ્યું છે.
પાટણમાં HNGU યુનિવર્સિટીમાં પરિણામની ઉગ્ર માગ કરાઈ હતી
તમને જણાવી દઈએ કે આજે સવારે જ પાટણની HNGUમાં VCના ચેમ્બરમાં VC અને વિદ્યાર્થીઓ વચ્ચે પરિણામની ઉગ્ર માગ સાથે ઘર્ષણ થયું હતું. MSC સેમેસ્ટર 4ના વિદ્યાર્થીઓ, VC અને વિદ્યાર્થી નેતા વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ઘર્ષણ બાદ વિદ્યાર્થીઓએ વાઈસ ચાન્સલરની ચેમ્બરમાં જ પરિણામ ના મળે ત્યાં સુધી બેસી રહેવાની જીદ પકડીને ધરણા કર્યા હતા. MSC સેમેસ્ટર 4ના મેથ્સ અને કેમેસ્ટ્રીનું પરિણામ ના આવતા વિદ્યાર્થીઓ અટવાયા હતા. વિદ્યા સહાયકની ભરતીમાં જો સમયસર MSCનું પરિણામ ના મળે તો 5 ટકા માર્કસ ના મળે જેના કારણે અરજદારનો મેરીટમાં ખુબ જ પાછળ નંબર આવે છે, છેલ્લા 10 દિવસમાં Msc સેમેસ્ટર 4ના મેથ્સ અને કેમેસ્ટ્રીના પરિણામ મેળવવા માટે વિદ્યાર્થીઓએ અનેકવાર ધક્કા ખાધા છે.
HNGU અગાઉ પણ આવી ચૂકી છે ચર્ચામાં
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઉત્તર ગુજરાત યુનિ.ની હોસ્ટેલમાં દારૂની મહેફિલ માણતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, હોસ્ટેલમાં રાત્રે ખેલાડીઓએ દારૂની મહેફિલ માણી હતી અને ત્યારબાદ બબાલ કરી હોવાની વાત સામે આવી હતી, બાસ્કેટ બોલની ટુર્નામેન્ટ માટે આવેલા ખેલાડીઓએ રાત્રે દારૂની મહેફિલ માણી હતી અને ત્યારબાદ હોસ્ટેસ કેમ્પસમાં ધમાલ મચાવી હતી. ઉત્તર ગુજરાત યુનિ.ની હોસ્ટેલમાં દારૂની મહેફિલ મોડી રાત્રે ખેલાડીઓ માણી રહ્યા હતા અને દારૂ પીધા બાદ તેઓ તેમનું ભાન પણ ભૂલી ગયા હતા અને દાદાગીરી કરતા જોવા મળ્યા હતા.