પાટણમાં પદ્મશ્રી એવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવેલ અગ્રણી માલજી દેસાઈને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પદ્મશ્રી માલજી દેસાઈને જાનથી મારી નાખવાની ધમકી મળતા હડકંપ મચ્યો છે. ગાંધીવાદી વિચારધારા ધરાવતા માલજી દેસાઈએ પાટણ જિલ્લામાં અનેક સમાજ સેવી કાર્યો કર્યા છે. તેઓ ચાણસ્માના ઝિલીયા ગાંધી આશ્રમ અને ઉત્તર બુનિયાદી શાળાના સંસ્થાપક પણ છે. હાલ પણ તેઓ આ સંસ્થામાં કાર્યરત છે. ઝીલીયા ગામ સ્થિત ગાંધી આશ્રમ સંસ્થામાં કામ કરતા કલાર્કે દાદાગીરી કરતા માલજી દેસાઈ અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી. 


ઝીલીયા ગામે ગાંધી આશ્રમ પર હુમલો

પદ્મશ્રી પુરસ્કારીત માલજીભાઈ દેસાઈના ઝીલીયાના ગાંધીઆશ્રમ પર હુમલા કરાયો. ઝીલીયા ગાંધીઆશ્રમ ખાતે 3 આરોપીઓએ તેમના પરિવારના સભ્યને નોકરી આપવા બાબતે દાદાગીરી કરી હતી. ગાંધીઆશ્રમમા 3 આરોપીઓ લાકડીઓ તેમજ તલવારો સાથે ઘૂસીને સીસીટીવી કેમેરા તોડી ભયનો માહોલ ઉભો કર્યો હતો.ગાંધી આશ્રમમાં હોબાળો કરનાર વ્યક્તિ સંસ્થાનો જ કર્મચારી છે. કર્મચારીએ ટ્રસ્ટરીઓ સામે દાદાગીરી કરી કે તેમના ભત્રીજાને સંસ્થામાં નોકરી પર રાખવામાં આવે. પરંતુ ટ્રસ્ટ સંચાલકોએ લાયકાત મુજબ નોકરી આપવાનું કહેતા કર્મચારીનો પિત્તો ગયો અને ગાંધીઆશ્રમમાં બબાલ મચાવી. ગાંધીઆશ્રમમાં હથિયારો લઈ બબાલ મચાવવા મામલે ટ્રસ્ટીના પુત્ર લાલજીભાઈ દેસાઈએ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં 3 શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ. 

પોલીસે આરોપીએની અટકાયત કરી

ભત્રીજાને નોકરી અપાવવા કલાર્કે ગાંધી આશ્રમમાં ઉત્પાત મચાવ્યો હતો. ચાણસ્મા પોલીસે ગાંધીઆશ્રમમાં હોબાળા મચાવનાર સંસ્થામાં કામ કરતા ક્લાર્ક સહિત ત્રણેય આરોપીઓને પકડીને જેલ હવાલે કર્યા . ઝીલીયા આશ્રમમાં હુમલો કરનાર કનું ધરમસી દેસાઈ,પ્રવીણ ધરમસી દેસાઈ,અને દશરથ ધરમસી દેસાઈની પોલીસે પૂછપરછ શરૂ કરી છે.

નોંધનીય છે કે ઝીંલીયા સ્થિત ગાંધીઆશ્રમના મુખ્ય સંચાલક પદ્મશ્રી પુરસ્કારીત માલજીભાઈ દેસાઈ છે. 1964માં પાટણ જિલ્લામાં ઝિલિયા ગામમાં ગાંધી આશ્રમની સ્થાપના કરી હતી. ગાંધીવાદી માલજી દેસાઈને રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રમાં જાહેર જીવનમાં તેમના પ્રદાન માટે શ્રેષ્ઠ કામગીરી આપવાને લઈને 3 વર્ષ પહેલા 2022માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા હતા. 1938માં જન્મેલ માલજીભાઈ દેસાઈ એક ગાંધીવાદી સામાજિક કાર્યકર અને રાજકારણી છે. તેમણે 2002માં ગુજરાત વિધાનસભાની ચાણસ્મા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 

  • Follow us on: