• ભારે વરસાદથી પાવાગઢમાં દર્શન કરવા પર પ્રતિબંધ

  • ભક્તોની સલામતીને લઈ તંત્ર દ્વારા લેવાયો નિર્ણય
  • દર્શનાર્થીઓ માટે ડુંગર ઉપર જવાનું બંધ કરાવવામાં આવ્યું

પંચમહાલ જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે યાત્રાધામ પાવાગઢમાં ભારે વરસાદને પગલે દર્શનાર્થીઓ માટે ડુંગર ઉપર જવાનું બંધ કરાવવામાં આવ્યું છે. પોલીસ દ્વારા પગથિયાં ઉપર વહી રહેલા પાણી અને વધુ વરસાદને કારણે દર્શનાર્થીઓની સલામતીને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

દરરોજ હજારોની સંખ્યામાં દર્શન કરવા આવે છે ભક્તો

ઉલ્લેખનીય છે કે યાત્રાધામ પાવાગઢમાં મા કાળીના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે, ત્યારે ભારે વરસાદના કારણે કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય તે માટે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ભારે વરસાદને પગલે પાવાગઢમાં ડુંગરના પગથિયા પર પાણી વહી રહ્યા છે.

વડોદરામાં 6 ઈંચ વરસાદ

વડોદરા શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજા વરસી રહ્યા છે, જેના કારણે શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે અને જનજીવન ખુબ જ ખરાબ રીતે પ્રભાવિત થયુ છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ત્યારે શહેરમાં ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ છે, ત્યારે એનડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિમાં બચાવ અને રાહત માટે NDRFની એક ટીમ વડોદરા ખાતે ડીપ્લોય કરવામાં આવી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા NDRFની ટીમ ડીપ્લોય કરવા માટે આદેશ કરવામાં આવ્યા હતા.

આવતીકાલે વડોદરામાં શાળાઓ બંધ

વડોદરા શહેરમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આવતીકાલે ગુરુવારે જિલ્લાની તમામ શાળાઓ બંધ રાખવા આદેશ કરાયો છે.

વડોદરા શહેરમાં ઈમરજન્સી નંબર જાહેર કરાયા

વડોદરામાં ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા કન્ટ્રોલ રૂમના નવા નંબર જાહેર કરાયા છે. જેમાં પોલીસ કન્ટ્રોલ રૂમ 100 તેમજ 0265-2431414 છે. તેમજ પોલીસ ગ્રામ્ય 0265-2435636 અને જિલ્લા પંચાયત માટે 0265-2432027 નંબર છે. વડોદરા સિંચાઈ વર્તુળ નંબર 0265 2431291, 0265 2410861 તેમજ MGVCL માટે 0265 2436121, 2436133 નંબર જાહેર કરવામાં આવ્યા છે.

  • Follow us on: