વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે ગઈકાલે શનિવાર રાતથી આવી ગયા છે, ગત રાત્રે જામનગર એરપોર્ટ પર તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતુ તો PM મોદી આજે જામનગરના વનતારાની મુલાકાતે પહોંચ્યા હતા અને બપોરે 1:00 વાગ્યા સુધી વનતારાની મુલાકાત લીધી અને બપોરનું ભોજન પણ વનતારામાં જ લીધું હતું અને હવે વડાપ્રધાન સોમનાથ મહાદેવ મંદિરે પહોંચ્યા છે અને ભગવાન શિવની આરતી, પૂજન અને દર્શન કર્યા છે.
સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં પણ વડાપ્રધાન રહેશે હાજર
વડાપ્રધાન મોદી સોમનાથ દાદાના શરણે આવ્યા છે. સોમનાથ ગીતામંદિર હેલિપેડ ખાતે વડાપ્રધાનના હેલિકોપ્ટરે ઉતરાણ કર્યુ અને ત્યારબાદ મંદિર સુધી ગાડી દ્વારા પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીની મુલાકાતને લઈને લોકોમાં અને સ્થાનિકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં પણ હાજર રહેશે અને અનેક કામગીરી મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
3 માર્ચે વડાપ્રધાન ‘વિશ્વ વન્યજીવ દિવસ’ની ઉજવણી કરશે
આવતીકાલે એટલે કે 3 માર્ચના રોજ સમગ્ર વિશ્વ ‘વિશ્વ વન્યજીવ દિવસ’ની ઉજવણી કરશે, જેની 2025 માટેની થીમ છે, ‘વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સ: ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ’ આ થીમ થકી વિશ્વ વન્યજીવ દિવસ વૈશ્વિક સંરક્ષણ પ્રયાસોમાં ટકાઉ ભંડોળની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે. આ જ દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવતીકાલે ગુજરાતમાં ગીર-સોમનાથની મુલાકાત લેશે.
53 તાલુકાઓમાં સિંહોની વસ્તી
હાલ ગુજરાતના 9 જિલ્લાઓના 53 તાલુકાઓમાં આશરે 30,000 ચોરસ કિમી વિસ્તારમાં સિંહોની વસ્તી છે. ગુજરાતમાં વસતા એશિયાઇ સિંહો તેમજ અન્ય વન્યજીવોના સંરક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, ભારત સરકારના પ્રોજેક્ટના ભાગરૂપે વન્યજીવોના આરોગ્ય માટે જૂનાગઢ જિલ્લાના નવા પીપળિયા ખાતે 20.24 હેક્ટરથી વધુ જમીન પર નેશનલ રેફરલ સેન્ટર બનવા જઇ રહ્યું છે. વધુમાં, સાસણમાં વન્યજીવન ટ્રેકિંગ માટે એક હાઇ-ટેક મોનિટરિંગ સેન્ટર અને એક અત્યાધુનિક હોસ્પિટલનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.